Site icon Revoi.in

ભાવનગરમાં મ્યુનિ.દ્વારા ઘોઘા સર્કલ સહિત વિસ્તારોમાં રોડ પરના ગેરકાયદે દબાણો દુર કરાયા

Social Share

ભાવનગરઃ શહેરમાં રોડની ફુટપાથ પર લારી-ગલ્લા સહિત અને દબાણો ખડકાયેલા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણો હટાવ્યા બાદ ફરીવાર દબાણો થઈ જતાં હોય છે. ત્યારે ફુટપાથ પરના લારી-ગલ્લા તેમજ ટ્રાફિકને અડચણરૂપ દબાણો તથા મ્યુનિ.ની માલીકી જમીનોમાં કરાયેલા દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં શનિ-રવિવારના રજાના દિવસે પણ ઘોઘાસર્કલ, રૂપાણી, સરદારનગર સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં ટ્રાફિકને અડચણરૂપ ઉપરાંત કોર્પોરેશનની જગ્યામાં દબાણ કરી ધંધો કરતા હતા તેવા ધંધાર્થીઓ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના ઘોઘા સર્કલ, લીંબડીયુ, રૂપાણી, સરદારનગર સહિતના વિસ્તારોમાં દબોણો દુર કરાયા હતા. જેમાં સાત કેબીનો- લારી, ત્રણ કાઉન્ટર, આઠ શેડ જપ્ત કર્યા હતા. તેમજ ઘોઘા સર્કલ ખાતે મ્યુનિ. કોર્પોરેશને ફાળવેલી દુકાનોના દુકાનદારો મોટી જગ્યામાં દબાણ કરી ધંધો કરતા હતા તેને પણ છોડ્યા ન હતા અને દબાણો હટાવ્યા હતા. જોકે, ઘોઘા સર્કલ આસપાસના વિસ્તારોમાં જ દુકાનની બહાર માર્જિન અને પાર્કિંગની જગ્યામાં બનાવેલા શેડ તંત્રની નજરચૂક થઈ ગયા હતા. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દબાણ તો હટાવાયા પરંતુ તેમાં ઘણી દુકાન કેબીનો અને ખાસ કરીને દાળ પૂરી સહિતનું વેચાણ કરતા લોકો દ્વારા ડ્રેનેજ સહિતના કનેક્શનનો પણ લીધા હતા. જેની તપાસ પણ આવશ્યક બની છે. અને તે કોર્પોરેશનની બેદરકારી સાબિત કરે છે. ગેરકાયદે દબાણો કરનારાને ડ્રેનેજ અને પાણીના કનેક્શન કેમ અપાયા એવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છીએ. શહેરમાં ગેરકાયદે દબાણો માટે મ્યુનિ.ના કેટલાક અધિકારીઓ જવાબદાર છે.