Site icon Revoi.in

ડીસાના કૂંપટ ગામે લગ્નનો વરઘોડો કાઢવા બાબતે બે જુથ બાખડી પડ્યા, પોલીસ પર પથ્થરમારો

Social Share

ડીસાઃ તાલુકાના કૂંપટ ગામે ઠાકોર સમાજના યુવકના લગ્ન યોજાયા હતા અને લગ્નનો વરઘોડો કાઢવા બાબતે  સમાજના બે જુથો બાખડી પડ્યા હતા. જેથી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન અચાનક ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા. આ મામલે ડીસા તાલુકા પોલીસે ટોળાં સામે રાયોટિંગ એક્ટ મુજબનો ગુનો નોંધી મહિલાઓ સહિત કુલ 70 થી વધુ લોકોની અટકાયત કરી હતી. જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ જારી છે.

પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, બનાસકાંઠાના ડીસા તાલુકાના કૂંપટ ગામે ઠાકોર સમાજના યુવકના લગ્ન હતા. લગ્નમાં એક સમાજના લોકોએ યુવકને વરઘોડો કાઢવાની ના પાડી હતી તેમ છતાં યુવકે વરઘોડો કાઢ્યો હતો. જેથી બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. ગામના વડિલોએ પણ બન્ને જુથને સમજાવવાના પ્રયાસો કર્યા હતા.પરંતુ વાતાવરણ તંગ બનતા  ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સમયે ટોળાએ અચાનક પોલીસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બંદોબસ્ત માટે આવેલા કેટલાક પોલીસ જવાનોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પોલીસ જવાનોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. હુમલાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મામલે ડીસા તાલુકા પોલીસે ટોળા સામે રાયોટિંગ એક્ટ મુજબનો ગુનો નોંધી મહિલાઓ સહિત કુલ 70થી વધુ લોકોની અટકાયત કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ જારી છે.