Site icon Revoi.in

ગીરના 40 સિંહના બદલામાં કેવડીયા સફારી માટે અન્ય પ્રાણીઓ મેળવાશે

Social Share

રાજકોટ: ગુજરાતની શાન સમા 40 જેટલા સિંહને દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં મોકલીને તેના બદલામાં અન્ય પ્રાણીઓ મેળવીને કેવડિયા સફારીમાં મોકલવામાં આવશે. ગીરના ‘એશિયાટીક લાયન્સ’ તરીકે ઓળખાતા સિંહ નું ટ્રેડીંગ કે ‘એકસચેંજ’ મૂલ્ય પણ બહાર આવ્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનીટી પાસે જે વિશાળ કુદરતી રીતે વિહરતા જંગલી પ્રાણીઓ સામેનું ‘ઝૂ’ બની રહ્યું છે ત્યાં વધુ પ્રાણીઓને લાવવા માટે ‘બદલો’ કરવામાં આવશે અને જૂનાગઢના સકકરબાગ માંથી 40 જેટલા સિંહ-સિંહણને દેશના વિવિધ ભાગોમાં મોકલવા માટે તૈયાર રાખવા રાજય સરકારે સૂચના આપી દીધી હોવાનું જાણવા મળ્યુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બનાવાયેલા કેવડીયાના આ પ્રાણીઘરમાં હાલ અનેક જંગલી પ્રાણીઓ છે પરંતુ સરકારનો ઈરાદો પણ વિશ્વના તમામ પ્રાણીઓને અહી લાવીને વિશ્વ કક્ષાનું પ્રાણીઘર બનાવવાનો છે અને આ માટે સિંહોનો એકસચેંજ પ્લાન અમલમાં મુકાશે અને આ માટે સકકરબાગ ઝુમાં રહેલા ‘ટીન એજર’ સિંહ-સિંહણોની ઓળખ કરીને તેને સફર માટે તૈયાર રાખવા સૂચના અપાઈ છે. આ માટે ખુદ મુખ્યમંત્રીએ હાલમાં જ 40 સિંહોના ‘બદલા’ને મંજુરી આપી છે. ટીનએજર કે સબ એડલ્ટ આયુમાં રહેલા સિંહ-સિંહણની માંગ વધુ છે. કારણ કે ભવિષ્યમાં તેનો પરિવાર વિસ્તરી શકે છે અને તેની એકસચેંજ વેલ્યુ પણ વધુ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સેન્ટ્રલ ઝુ ઓથોરીટીએ દિલ્હીના ઝૂમાં એશિયાટીક સિંહોની વસતી વધારવા માટે એક યુવા નર સિંહ અને બે માદાને સકકરબાગથી દિલ્હી મોકલવાની મંજુરી આપી છે તેના બદલે ગંગા નદીમાં જે ખાસ વિશાળ મગરો વસે છે. તેને કેવડીયા ખાતેના ઝુમાં લાવવામાં આવશે. આ ઉપરાંત હિમાચલના જંગલોમાં શાકાહારી અને વધુમાં વધુ કીડીખાઉ રીછ વસે છે તે પ્રકારના રીછ મેળવવા માટે બદલામાં સિંહ અપાશે. ગીરના જંગલમાં વસતા સિંહોમાં 115 એવા છે જે દેવળીયા પાર્ક કે અન્ય સિંહ સંવર્ધન કેન્દ્ર અને સકકરબાગમા રખાયા છે જેમાં એકલા 85 સિંહો ફકત સકકરબાગના સંવર્ધન કેન્દ્રમાં છે.