Site icon Revoi.in

ગાંધીનગરમાં વન કર્મચારીઓના ગ્રેડ-પે વધારવાની માગ સાથે ઘરણાં, બેનરો સાથે સૂત્રોચ્ચાર કરાયો

Social Share

ગાંધીનગરઃગુજરાતવિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પાટનગરમાં વિવિધ કર્માચારી મંડળો, યુનિયનો, ખેડુતો, અને પૂર્વ સૈનિકોના આંદોલનની મોસમ ચાલી રહી છે. ત્યારે રાજ્યના વન કર્મચારીઓ ગ્રેડ-પે સહિત વિવિધ માગણીઓના ઉકેલ માટે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ સાથે દેખાવો કર્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં મહેસૂલ કર્મીઓ, વનરક્ષકો, ગામડાની પંચાયતોમાં ફરજ બજાવતા કોમ્યુટર ઓપરેટરો,  શિક્ષકો અને માજી સૈનિકો તેમજ ખેડુતો પડતર માગણીઓના ઉકેલ માટે આંદોલનો કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પહેલાં કર્મચારીઓ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે સરકાર પર ભીંસ વધારવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર આંદોલનની છાવણીમાં ફેરવાઈ ગયું છે..એક બાદ એક સરકારી વિભાગોના કર્મચારીઓ પડતર માગણીઓ સાથે સરકાર સામે મોરચો માંડી રહ્યા છે.

રાજ્યભરમાં અત્યારે સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી વન વિભાગના કર્મચારીઓ પણ આંદોલન કરી રહ્યા છે. વન કર્મચારીઓ સોમવારે ગાંધીનગર પહોંચ્યા હતા. અને સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ પોસ્ટર અને બેનરો લઈને વિરોધપ્રદર્શન કર્યું હતું, સાથે જ તેમણે વનરક્ષકને 2,800 રૂપિયા અને વનપાલને 4,200 રૂપિયા ગ્રેડ પે આપવામાં આવે એવી માગ કરી હતી. આ સાથે જ કર્મચારીઓએ રજા, પગાર અને અન્ય ભથ્થાં આપવાની પણ માગ કરી હતી

વન વિભાગના કર્મચારીઓના વિરોધપ્રદર્શનને પગલે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વનરક્ષકો વર્ગ 3ના કર્મચારીઓને 1800 ગ્રેડ પે આપવામાં આવે છે તેમજ વર્ગ 4ના કાયમી રોજમદારને 1900 ગ્રેડ પે આપવામાં આવે છે, જેને વધારવાની માગ વનકર્મીઓ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત વનરક્ષકો દિવસ-રાત ડ્યૂટી પર હોય છે. વાર-તહેવારની પણ રજા હોતી નથી કે વેકેશન પણ આપવામાં આવતું નથી, જેથી વનરક્ષકોને પણ પોલીસ ખાતાની જેમ રજાના દિવસે નોકરી કરાવવામાં આવે એ સમયગાળાનો રજા પગાર આપવા અંગેની જોગવાઈ કરવા વિનંતી કરવામાં આવી છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ બેનરો અને પોસ્ટરો સાથે વનકર્મીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને વિરોધપ્રદર્શન કર્યું હતું.