Site icon Revoi.in

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં સિંહની જોડી ખંડિત થઈ, સિંહના મોતથી સિંહણ એકલી પડી

Social Share

ગાંધીનગરઃ શહેરના ઇન્દ્રોડા પાર્કમાં સિંહની જોડી ખંડિત થઈ છે. 15 વર્ષીય સુત્રા નામના સિંહનું વૃદ્ધાવસ્થાનાં કારણે અવસાન થતાં ગ્રીવા નામની સિંહણ એકલી પડી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી સુત્રા નામના સિંહની તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેનું ઇન્દ્રોડા પાર્કમાં અવસાન થતાં પોસ્ટમોર્ટમ કરીને અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં સિંહ-સિંહણની જોડીને જૂનાગઢ શક્કરબાગ ઝુમાંથી લાવવામાં આવી હતી. જુનાગઢથી 10 વર્ષના સુત્રા નામના સિંહ અને આઠ વર્ષની ગ્રીવા નામની સિંહણની જોડીને ઈન્દ્રોડા પાર્ક ખાતે વર્ષ – 2018 માં લાવવામાં આવ્યા હતી. પાર્કના કર્મચારીઓ દ્વારા સિંહ-સિંહણની સારીએવી દેખભાળ કરવામાં આવતા હતા.  સિંહ-સિંહણને ગાંધીનગર લવાયા પહેલા ઇન્દ્રોડા પાર્કના ત્રણ કેઝ કિપરને જૂનાગઢના ઝુમાં ટ્રેનીંગમાં પણ મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇન્દ્રોડા પાર્કમાં સુત્રા નામના સિંહ અને ગ્રીવા નામની સિંહણની જોડીને લાવવામાં આવતાં બંનેએ મુલાકાતીઓમાં આગવું આકર્ષણ જમાવ્યું હતું. ત્યારબાદ ગ્રીવા નામની સિંહણને પેટમાં ઇન્ફેક્શન થઇ જવાને કારણે તેનો જીવ જોખમમાં મુકાયો હતો. આખરે ડોક્ટરોની ટીમે તેનો જીવ બચાવવા માટે ગર્ભાશય કાઢી નાંખવું પડ્યું હતું. બીજી તરફ સુત્રા નામના સિંહની ઉંમર પણ 15 વર્ષની થઈ ગઈ હતી. સિંહની વૃદ્ધાવસ્થાની ઉંમર 15 થી 16 વર્ષની ગણવામાં આવે છે. એ રીતે સુત્રાને વૃદ્ધાવસ્થા આવી ગઈ હતી. જેનાં કારણે તેની તબિયત પણ નાદુરસ્ત રહેતી હતી.

વન વિભાગે ઉમેર્યું હતું કે, ઝૂ ઓથોરિટી દ્વારા સુત્રાને આઠેક કિલો રોજનું માંસ આપવામાં આવતું હતું. જ્યારે ગ્રીવાને રોજનું છ એક કિલો માંસ પીરસવામાં આવતું હતું. ત્યારે સુત્રા નામના સિંહનું વૃદ્ધાવસ્થાનાં કારણે અવસાન થતાં સિંહ જોડી ખંડિત થઈ ચૂકી છે. તબીબોની ટીમ દ્વારા સિંહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું અને પ્રોટોકોલ મુજબ માન સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને તેની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. (File photo)