Site icon Revoi.in

ગુજરાતમાં ગ્રાહકોને સુવિધા આપવામાં બિલ્ડર્સ લાપરવાહ, રેરાને 5 વર્ષમાં 2000 ફરિયાદો મળી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં તમામ મહાનગરોમાં વસતી વધારા સાથે તેનો વ્યાપ પણ વધતો જાય છે. શહેરમાં દરેક વ્યક્તિ પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સેવતા હોય છે. અને એટલે જ પ્રોપર્ટીના ભાવ તોતિંગ છે. બિલ્ડર્સ ગ્રાહકોને આકર્ષવા માટે અનેક તરકીબો અપનાવતા હોય છે. ત્યારે ઘણી વાર ગ્રાહકો પણ બિલ્ડર્સના કહેવા મુજબની યોગ્ય સુવિધા ન મળતા પાછળથી પસ્તાતા હોય છે. ગુજરાત સરકારે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ની રચના કરી છે. અને તેની નોંધણી ફરજિયાત છે.  ગ્રાહકો પોતાને અન્યાય થયો હોય તો રેરામાં ફરિયાદ કરી શકે છે. કહેવાય છે. કે, છેલ્લા પાંચ વર્ષમાં રેરાને પાંચ હજાર ફરિયાદો મળી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના બિલ્ડર્સ ગ્રાહકોને સુવિધા આપવામાં કાચા હોવાનો રેરા રિપોર્ટમાં ખુલાસો થયો છે. રેરાને ગ્રાહકો પાસેથી 2017 થી કુલ 2 હજાર જેટલા  ફરિયાદો મળી હતી. આ ફરિયાદોમાં એ મામલે છે, બિલ્ડરો ગ્રાહકોને યોગ્ય સુવિધા આપતા નથી. રેરાના રિપોર્ટમાં દાવો કરાયો કે, રાજ્યમાં રેરાને મળેલી 2 હજાર ફરિયાદમાંથી 811  ફરિયાદો અમદાવાદની છે.  કુલ 34 પ્રોજેક્ટ સામે 523 ફરિયાદો નોંધાઈ હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોને સુવિધા આપવામાં રાજ્યમાં અમદાવાદના બિલ્ડર્સ સૌથી ઊણાં હોવાનું રેરાના રિપોર્ટના આધારે કહી શકાય. રેરાનો અમલ કરવામાં આવ્યો ત્યારથી એટલે કે 2017 થી રેરાને કુલ 2 હજાર ફરિયાદો મળી છે. જેમાં 1419 ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવ્યું હોવાનો દાવો રેરાએ વ્યકત કર્યો છે. 811 ફરિયાદ અમદાવાદ શહેર અને જિલ્લામાં આવી છે. જે પૈકી 70 ટકાનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. ફરિયાદોના સંદર્ભમાં વડોદરા બીજા ક્રમે આવે છે ત્યારબાદ સુરત અને ગાંધીનગરનો નંબર આવે છે. સૌથી ઓછી ફરિયાદો રાજકોટમાંથી મળી હતી. વર્ષ 2021-22 દરમિયાન ગ્રાહકો તરફથી રેરાને કુલ 380 ફરિયાદો મળી હતી જેનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આમાં પણ સૌથી વધુ 168 ફરિયાદ અમદાવાદમાંથી મળી હતી. ગ્રાહકોને મળવાપાત્ર સામાન્ય સુવિધાઓ અંગે 104 ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ વ્યાજ અને રિફંડ અંગેની 89, કબજો નહીં આપવા અંગેની 60, વેચાણ દસ્તાવેજો અંગેની 36 અને વળતર વિષેની 25 ફરિયાદો મળી હતી. આ ઉપરાંત કેટલાક કિસ્સામાં નબળી કામગીરી અને પ્રમોટર્સ દ્વારા મીસલિડિંગ હોવાની ફરિયાદો પણ નોંધાઈ હતી. મોટાભાગની ફરિયાદો અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર ખાતેની નોંધાવવામાં આવી હતી.