Site icon Revoi.in

કોંગ્રેસે લોકસભાના ત્રણ અને વિધાનસભા પેટા ચૂંટણીના એકેય ઉમેદવારો હજુ જાહેર કર્યા નથી

Social Share

રાજકોટ:  ગુજરાતમાં લોકસભાની ચુંટણીમાં 12મી એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થયો છે. લોકસભાની ચૂંટણી સાથે જ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. ભાજપે લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા હજુ ત્રણ લોકસભા બેઠકો તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીના પાંચેય બેઠકોના ઉમેદવારોના નામો જાહેર કરાયા નથી. ભાજપના ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવારોના નામો ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થયા છતાં જાહેર કરી શખી નથી.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રકો ભરવાનો પણ પ્રારંભ થયો છે. ભાજપે તો લોકસભાના 26 બેઠકોના ઉમેદવારો તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોના નામો ઘણા દિવસ પહેલા જ જાહેર કરીને પ્રચાર કાર્ય પણ શરૂ કરી દીધો છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જોડાણ કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર અને ભરૂચની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીએ બન્ને બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસને ફાળે આવતી 24 બેઠકોમાંથી 21 બેઠકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પણ અમદાવાદ પૂર્વ, મહેસાણા અને રાજકોટની બેઠકના નામો હજુ જાહેર કરવામાં આવ્યા નથી. જો કે રાજકોટની બેઠક પર પરેશ ધાનાણી અને મહેસાણાની બેઠક પર કોઈ ઠાકોર ઉમેદવારને ટિકિટ આપે એવું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાત કોંગ્રેસે  વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ પણ હજુ જાહેર કર્યા  નથી. જોકે આજ-કાલમાં ઉમેદવારો જાહેર કરી દેવાશે. એવું પ્રદેશ કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે.

ગુજરાત વિધાન સભામાં પાંચ બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપે પક્ષ પલટુનો ટિકિટો આપી છે. અને તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ત્યારે કોંગ્રેસને લોકસભાની ત્રણ અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચુંટણી માટે હજુ ઉમેદવાર નહી મળતા પક્ષના કાર્યકર્તાઓ પણ મોવડીમંડળ પ્રત્યેના વિશ્વાસ ગુમાવી રહ્યા હોવાનો સંકેત મળ્યો છે.

Exit mobile version