Site icon Revoi.in

ગુજરાતમાં વાર્ષિક 6 લાખ સુધીની આવક ધરાવનારા કુટુંબોને માં અને માં વાત્સલ્ય કાર્ડ અપાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં આગામી તા.23મી સપ્ટેમ્બરથી વર્ષે 6 લાખ સુધીની આવક ધરાવતા 80 લાખ કુટુંબોને માં અને માં વાત્સલ્ય કાર્ડની સુવિધાનો લાભ અપાશે. 23 તારીખથી સરકાર દ્વારા મેગા ડ્રાઇવ કરાશે  80 લાખ કુટુંબ સુધી આ કાર્ડની સુવિધા પહોંચાડાશે. જેમાં 4 લાખથી લઈને 6 લાખ સુધીની આવકમર્યાદા સુધી લાભ અપાશે.તેમ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

આરોગ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,  વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કાર્યકાળ સુધી સિવિલ હોસ્પિટલે ખૂબ સારી સ્વાસ્થ્ય સેવાઓ આપી છે. હોસ્પિટલમાં સ્વાસ્થ્ય લક્ષી વિકાસ પણ થયો છે. દર્દીઓને અગવડતા ના પડે એ માટે સરકાર અને હોસ્પિટલ તંત્ર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યાં છે. આ વખતે ત્રીજી લહેર ના આવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. બીજી લહેરમાં 14 હજાર કેસ આવતા હતાં હવે બમણાં કેસ આવે તો પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત બોન્ડવાળા ડોક્ટરોને પણ નિમણૂંક આપી દેવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે, CHC અને PHC સુધી સુંદર કામ થાય એવા સરકારના પ્રયાસ રહેશે.1990થી સત્તામાં આવ્યા પછી 2001 બાદ તો દરેક ક્ષેત્રમાં સતત વિકાસ કરી રહ્યા છીએ.બહારથી આવતા મુસાફરો, પ્રવાસીઓ, શાળાઓ અને લોકો ભેગા થતા હોય એવા સ્થળે ટ્રેકિંગ અને ટ્રેસિંગ કરી રહ્યા છીએ. આખા એશિયાની સૌથી મોટી હોસ્પિટલ, કે જ્યાં રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્રથી અનેક દર્દીઓ સારવાર માટે આવે છે. આખા ગુજરાતમાં 6 હજાર જેટલી MBBSની સીટ અને પ્રોફેશનલ કોર્ષની 1600 બેઠકો છે.આવતા સમયમાં CHC,  PHCમાં મેન પાવરની સમસ્યા દૂર થશે. ડોકટરો પોતે સરકારી જોબ માટે અરજી કરશે એવો સમય આવશે.વડાપ્રધાન મોદી તત્કાલીન સીએમ હતા ત્યારે પ્રત્યેક લોકોને સારવાર મળે એ માટે મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ શરૂ કર્યું હતું. મા વાત્સલ્ય કાર્ડ અને મા કાર્ડમાં જે સુરક્ષા આપી હતી તે રીતે PMJAY કાર્ડમાં સુવિધા આવરી હતી. 23 તારીખથી અમે મેગા ડ્રાઇવ કરવા જઈ રહ્યા છીએ. 80 લાખ કુટુંબ સુધી આ કાર્ડની સુવિધા પહોંચાડીશું. જેમાં 4 લાખથી લઈને 6 લાખ સુધીની આવકમર્યાદા સુધી લાભ અપાશે. સરકાર PMJAY કાર્ડ તમામ લાભાર્થીઓને મળી રહે એ પ્રકારે વ્યવસ્થા કરવા આગળ વધી રહી છે. 621 જેટલી બિમારીને લગતી સમસ્યાઓને કાર્ડમાં આવરી લેવાઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૂર્વ મહેસૂલ મંત્રી કૌશિક ભાઈ પટેલના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા તેમની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ કૌશિક પટેલની સારવાર કરી રહેલા તબીબો સાથે પણ વાતચીત કરી હતી અને વિગતો જાણી હતી.કૌશિક પટેલ ત્વરાએ સ્વસ્થ થઈ જાય તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રી પ્રદીપસિંહ પરમાર અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

Exit mobile version