Site icon Revoi.in

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના 7 ઉમેદવારોનાં નામ જાહેર,બે MLA પણ ટિકિટ મળી

Social Share

અમદાવાદઃ  કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતના 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે.  કોંગ્રેસે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, પોરબંદરથી લલિત વસોયા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્વિમથી ભરત મકવાણા અને કચ્છથી નીતિશ લાલનને ટિકિટ આપવામાં આવી છે.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા 43 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ગુજરાતની 7 લોકસભા બેઠકના ઉમેદવારોનો સમાવેશ થાય છે. યુવાન, શિક્ષિત, સામાજિક અને રાજનૈતિક રીતે શ્રેષ્ઠ કામગીરી કરતા ઉમેદવારોની પસંદગી કરવા બદલ રાષ્ટ્રીય નેતૃત્વનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે આભાર માનતા તમામ ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી છે. અને જનતાના આશીર્વાદ મળશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જાહેર કરેલા 7 ઉમેદવારોમાંથી 4 ઉમેદવારો 50 વર્ષથી નીચેની વયના છે.  જેમાં કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર નીતેશ લાલન કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. ભૂતકાળમાં ગાંધીધામ વિધાનસભા યુથ કોંગ્રેસથી  પોતાની રાજનૈતિક જીવનની શરૂઆત કરનારા યુવા ઉમેદવાર છે. જ્યારે બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે  ગેનીબેન ઠાકોરની પસંદગી કરવામાં આવી છે,  ગેનીબેન ઠાકોર સમગ્ર ઉત્તર ગુજરાતમાં સામાજીક અને રાજકીય કામગીરીથી લોકપ્રિય ચહેરો છે તથા છેલ્લા બે-ટર્મથી વાવ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે.  અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે એ.આઈ.સી.સી.ના પ્રવક્તા અને યુવા ચહેરા તરીકે  રોહન ગુપ્તાની પસંદગી કરી છે. એસ.એસ.સી. અને એચ.એસ.સીમાં ટોપ ટેનમાં રહેલા રોહન ગુપ્તાએ ભૂતકાળમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની સોશ્યલમીડીયા ટીમના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી હતી. ઉપરાંત તેઓએ ઘણા રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ વોરરૂમની જવાબદારી સંભાળી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય  ભરતભાઈ મકવાણાની પસંદગી કરી છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનમાં ઘણા સમયથી સક્રિય કામગીરીમાં હતા. તેઓ ધારાસભ્ય તરીકે 1998માં સોજીત્રા બેઠકથી ચૂંટાયા હતા. જ્યારે પોરબંદર લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાની પસંદગી કરવામાં આવી છે. તેઓ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે. અનેક પાટીદાર સમાજની સંસ્થાઓ જોડે સંકળાયેલા છે. તેઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે સેવા આપી છે. તેમજ

બારડોલી લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તાપી જિલ્લા પંચાયત વિપક્ષના નેતા સિધ્ધાર્થ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. તેઓ સહકાર ક્ષેત્રમાં સક્રિય છે, તેઓ સુમુલ ડેરીના ડીરેક્ટર છે અને અન્ય અનેક સહકારી સંસ્થાઓમાં સભ્ય છે. વલસાડ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય અનંત પટેલની પસંદગી કરવામાં આવી છે. તેઓ છેલ્લા બે-ટર્મથી વાંસદા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટાઈને આવે છે.