Site icon Revoi.in

ગુજરાતમાં વિદેશી ટ્રાવેલ્સ એજન્ટ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત, સરકાર કાયદો લાવી રહી છે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાંથી હજારો વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશ જતાં હોય છે. ઉપરાંત અનેક લોકો પીઆર કે વર્ક પરમિટ મેળવીને વિદેશ જતા હોય છે. વિદેશ મોકલવાનું કાર્ય ટ્રાવેલ્સ એજન્ટો દ્વારા થતું હોય છે. જેમાં અમેરિકા તેમજ કેનેડા જવાના સતત વધી રહેલા ક્રેઝ વચ્ચે લેભાગુ એજન્ટો ઘણીવાર ગેરકાનુની રીતે અમેરિકામાં ઘુસાડી દેવાની લાલચ આપીને લાખો રૂપિયા વસુલતા હોય છે. તેમજ ગેરકાનૂની ઘુસણખોરી કરવા જતા અનેક લોકો પકડાતા હોય છે.  જાન્યુઆરી 2022માં કેનેડાની બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જવાના પ્રયાસમાં ઉતર ગુજરાતના પટેલ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. ઉપરાંત તાજેતરમાં જ મેકસીકોની ટ્રમ્પવોલ કુદીને અમેરિકામાં જવાનો પ્રયાસ કરનારા કલોલના યુવકનું મોત થયા બાદ હવે રાજય સરકારે આ પ્રકારે ગેરકાનુની રીતે ઘુસણખોરી માટે પ્રોત્સાહિત કરતા એજન્ટો પર લગામ કસવા ખાસ કાયદો લાવી રહી છે.  જે આગામી બજેટ સત્રમાં રજુ થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરોમાં અનેક ટ્રાવેલ્સ એજન્સીઓ કાર્યરત છે. જેમાં કેટલીક ટ્રાવેલ્સ એજન્સીઓ વિદેશમાં અભ્યાસ, પ્રવાસ કે નોકરી માટે જવા વિઝાથી લઈને નિયત જગ્યાએ પહોંચાડવાનું કામ કરતી હોય છે. કેટલાક એજન્ટો વિદેશોમાં લોકોને ગેરકાયદે ઘૂસાડી દેતી હોય છે.આથી હવે ગુજરાત સરકાર કબુતર બાજોને અટકાવવા માટે કાયદો બનાવી રહી છે. રાજયમાં હવે ટ્રાવેલ એજન્ટો માટે ખાસ રજિસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવશે. અને તેઓ જે લોકોને વિદેશ મોકલવા માટે પ્રક્રિયા કરે તેની માહિતી રાજયના વિભાગને આપવાનું ફરજીયાત રહેશે. એટલું જ નહી તેઓ જો ગેરકાનુની રીતે અમેરિકા કે અન્ય દેશમાં ગુજરાતીને ઘુસાડવાનો પ્રયાસ કરશે તો તેની સામે આકરી કાર્યવાહી માટેની કાનુની જોગવાઈ તેમજ માનવ તસ્કરી સહિતની ગંભીર કલમો પણ લાગુ કરશે. ખાસ કરીને ઉતર ગુજરાતમાંથી અમેરિકા જવાનો જે ક્રેઝ છે તેમાં વિઝા નહી મેળવી શકનારા સેંકડો લોકો એજન્ટો દ્વારા તૈયાર કરાયેલા બોગસ પેપર અને ગેરકાનુની માર્ગે અમેરિકામાં ઘુસવાનો પ્રયત્ન કરે છે અને હવે પંજાબમાં જે પ્રકારે કાનુન છે તેવો જ કાનૂન ગુજરાત સરકાર પણ લાવી રહી છે.