Site icon Revoi.in

કોરોના પીડિતોને નિહાળી હ્રદય દ્રવી ઉઠતા શરૂ કરી કોવિડ હોસ્પિટલ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. તેમજ હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ ગઈ છે. દર્દીઓને હોસ્પિટલમાં બેડ નથી મળતા. આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઓક્સિજનની જરૂર ઊભી થાય ત્યારે ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશન સરળતાથી મળતા નથી. દર્દીઓ અને તેમના પરિવારની આ સ્થિતિને જોઈને રાજકોટ જિલ્લાના જસદણમાં દવાખાનું ચલાવતા ગાયનેકોલોજીસ્ટ ડો. પંકજ કોટડિયાએ કોરોના પીડિતોના જીવ બચાવવાનો સંકલ્પ લીધો હતો. તેમજ સ્થાનિક રાજકીય આગેવાનો તથા અન્ય મિત્રોના સહયોગથી 100 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરી છે. 13 દિવસમાં જ 60થી વધારે ક્રિટીકલ દર્દીઓનો આ કોવિડ હોસ્પિટલમાં તબીબોએ જીવ બચાવ્યો છે. આ ઉપરાંત 200થી વધારે દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ખુશી ખુશી ઘરે પરત ફર્યાં છે. હાલ લગભગ 90 દર્દીઓની અહીં સારવાર ચાલી રહી છે.

જસદણના તબીબ પંકજભાઈએ મિત્રો સમક્ષ કોવિડ પીડિતોની સારવાર માટે હોસ્પિટલ શરૂ કરવાની ઉચ્છા વ્યક્ત કરી હતી. તમામ મિત્રોએ હોસ્પિટલ શરૂ કરવાની તૈયારી દર્શાવીને  હોસ્પિટલ માટે જગ્યા પણ શોધી કાઢી હતી. દેવશીભાઈ છાયાણી નામના સેવાભાવીએ પોતાનું એક વર્ષથી બંધ પડેલું કારખાનું હોસ્પિટલ માટે આપ્યું અને આ કારખાનાની બાજુમાં જ આવેલી જયતારામ બાપુની જગ્યાના સંચાલકોએ જગ્યા આપવા સંમતી આપી હતી. આમ હોસ્પિટલ ઊભી કરવાનો સંકલ્પ લીધાના 48 કલાકમાં જ 100 બેડની હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. જેમાં 60 બેડ ઓક્સિજન સુવિધા સાથેના હતા.

ડો. પકંજ કોટડિયાએ રિવોઈ(રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ને જણાવ્યું હતું કે, કોવિડના દર્દીઓ બેડ વિના મૃત્યુ પામતા હતા આ પરિસ્થિતિ મારાથી જોવાતી ન હતી. જેથી કાકા રમેશભાઈને આ અંગે વાત કરી હતી. તેમણે દર્દીઓની સારવાર માટે કોવિડ હોસ્પિટલ ઉભી કરવા માર્ગદર્શન આપ્યું હતું. જેથી આ અંગે મિત્ર નરેશભાઈ, શૈલેષભાઈ અને રાજકીય આગેવાન ભરતભાઈ બોઘરા સાથે ચર્ચા કરી હતી. તેમજ તેમણે પણ કોવિડ હોસ્પિટલ ઊભી કરવાની સાથે અલગ-અલગ જવાબદારીઓ ઉઠાવી લીધી હતી. કોન્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા નરેશભાઈ વ્યવસાય છોડીને દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવાની જવાબદારી નિભાવી રહ્યાં છે. જ્યારે દવાના વ્યવસાય સાથે સંકળાયેલા શૈલેષભાઈ પણ વ્યવસાય છોડીને કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને દવા મળી રહે તે માટે સતત કામગીરી કરી રહ્યાં છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોટી હોસ્પિટલમાં કોવિડના ક્રિટીકલ દર્દીઓ પૈકી 85 ટકા દર્દીઓને બચાવવામાં આવે છે. જ્યારે અમારો ઈરાદો ક્રિટીકલ દર્દીઓ પૈકી 75થી 80 ટકા દર્દીઓનો જીવ બચાવવાનો છે. હોમીયોપેથી દવાખાનુ ધરાવતા કેતનભાઈ પટેલ આ હોસ્પિટલમાં 24 કલાક દર્દીઓની સેવા કરે છે. જ્યારે ફિઝીશીયન મયુરભાઈ ભુવાસી અને બાળ રોગ નિષ્ણાંત મિતુલભાઈ પણ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરે છે. ભરત બોઘરા હોસ્પિટલ માટે આર્થિક મદદ કરી રહ્યાં છે. એટલું જ નહીં સરકાર દ્વારા પણ મદદ કરવામાં આવી રહી છે.  હોસ્પિટલમાં સરકારના પ્રોટોકોલ અનુસાર દર્દીઓની સારવાર કરવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા ઓકિસ્જન અને રેમડેસિવિર ઈન્જેકશન પણ પુરા પાડવામાં આવે છે.