Site icon Revoi.in

જુનાગઢના રાજેસર ગામે સોની વેપારીને બંધક બનાવી રિવોલ્વર બતાવી રૂપિયા 81 લાખની લૂંટ,

Social Share

જૂનાગઢઃ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામે સોની વેપારી બંધુને તેના જ ઘરમાં બંધક બનાવી ત્રણ લૂંટારા શખસોએ 81 લાખ રૂપિયાના સોનાનાં બિસ્કિટ અને 21 કિલો ચાંદીની લૂંટ ચલાવતાં ચકચાર મચી ગઈ હતી. ત્રણ લૂંટારા શખસોમાં એક લૂંટારો સોની વેપારીનો મિત્ર હતો. અને આ કહેવાતો મિત્ર તેના સાગરીતો સાથે વેપારીના ઘરે આવ્યો હતો અને ચા-પાણી પીધા બાદ છરી અને રિવોલ્વર બતાવી લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે ડોગ-સ્કવોડ, એફએસએલ સહિતની ટીમોની મદદ લઈ લૂંટારાઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, મેંદરડા તાલુકાના રાજેસર ગામે રહેતા જિતેન્દ્ર લોઢિયા અને તેના ભાઈ તુલસી વ્રજલાલ લોઢિયા સોના-ચાંદીના દાગીના બનાવવાનો વ્યવસાય કરે છે. ગુરૂવારે રાત્રિના 10:00 વાગ્યે મિત્ર ગણાતો દીપક અશોક જોગિયા નામનો શખસ તેના સાગરિતો સાથે સોની વેપારીના ઘરે આવ્યો હતો. અને  સોની વેપારીએ મિત્ર અને તેના સાગરિતો સાથે પોતાના ઘેર  ચા-પાણી પીતાં પીતાં વાતચીત કરી હતી. ત્યાર બાદ જિતેન્દ્ર લોઢિયાને ચા પીધા બાદ પાણી પીવાની ટેવ હોઈ, જેથી તેઓ રસોડામાં ગયા હતા. ત્યારે જ તેના ઘરે આવેલા દીપક જોગિયા અને તેના બે સાગરિતોએ લોઢિયાબંધુઓને છરી અને રિવોલ્વર જેવું હથિયાર બતાવી બંધક બનાવ્યા હતા. ત્યાર બાદ દીપક જોગિયા અને તેના બંને મિત્રો સોની વેપારીના ઘરમાં રાખેલાં સોનાનાં 8 બિસ્કિટ, વજન 928 ગ્રામ કિં રૂ.58 લાખ, 21 કિલો ચાંદી, કિં રૂ.14,.70 લાખ અને રોકડ રૂ. 9 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

લૂંટારાઓ ફરાર થયા બાદ સોની વેપારી દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશનને પોતે લૂંટાયા હોવાની જાણ કરતા પોલીસ કાફલો દાડી આવ્યો હતો.  આ મામલે જિતેન્દ્ર લોઢિયા દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશનમાં તેમની પરિચિત વ્યક્તિ દીપક જોગિયા અને બે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મેંદરડાના રાજેશર ગામે રાત્રિના સમયે લૂંટનો બનાવ બન્યો હતો. રાજેસર ગામના સોની વેપારી જિતેન્દ્ર વ્રજલાલ લોઢિયા અને તેના ભાઈઓને બંધક બનાવી લાખો રૂપિયાના સોનાનાં બિસ્કિટ, ચાંદીનાં ઘરેણાં અને રોકડ રૂપિયા 9 લાખની લૂંટ કરવામાં આવી હતી. એ લૂંટ કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 81.70 લાખ જેટલી થાય છે. લૂંટ કરી આરોપીઓ સોની વેપારીઓને પોતાના જ ઘરમાં રહેલાં કપડાંથી બાંધી દેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ આ સોનીબંધુઓએ એકબીજાને છોડાવી મેંદરડા પોલીસ સ્ટેશનમાં લૂંટ થયાની જાણ કરી હતી. જૂનાગઢ ડીવાયએસપી, એસઓજી ,એલસીબી સહિતનો કાફલો રાજેશર ગામ પહોંચ્યો હતો. સોનીબંધુઓને બંધક બનાવી લાખો રૂપિયાના સોના- ચાંદી અને રોકડની લૂંટ ચલાવનારા આરોપીઓને પકડવા જૂનાગઢ પોલીસે નાકાબંધી કરી હતી અને હાલ એસઓજી, એલસીબી તેમજ મેંદરડા પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.