ભૂજઃ કચ્છમાં કોરોનાના વધતા જતા કેસ સાથે વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.પશ્ચિમ કચ્છના છેવાડાના લખપત તાલુકામાં આજે સોમવારની બપોરે ગાજવીજ સાથે વરસાદી ઝાપડું પડ્યું હતું. લખપતના મેઘપર ગામે ઝાપટા સાથે કરાનો વરસાદ પણ પડ્યો હતો. લોકોએ કરાને હાથેથી વીણીને ફોટો પડાવી આનંદ વ્યક્ત કરાયો હતો. જ્યારે ખેડૂત વર્ગે ઊભા પાકને લઈ મેઘરાજાને સંયમ રાખવા પ્રાર્થના કરી હતી. વરસાદના પગલે ગામની શેરીઓમાં પાણી વહી નીકળ્યા હતા.
કચ્છમાં છેલ્લા બે-ચાર દિવસથી વાતાવરણ વાદળછાંયુ બન્યુ છે. અને છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાં પડ્યા હતા. અબડાસા તાલુકામાં પણ કરા સાથેનો વરસાદ પડ્યો હતો. દરમિયાન સોમવારે બપોર બાદ લખપતમાં મેઘ સવારીએ હાજરી પુરાવી હતી.એક સપ્તાહ અગાઉ પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. તેમાં છાડવારા ગામે વડનું ઝાડ તૂટી પડતા બે લોકોના જીવ ગયા હતા. ત્યાર બાદ બીજા દિવસે ભૂજ, અંજાર, નખત્રાણા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. માવઠાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી