Site icon Revoi.in

દાંતા તાલુકાની મોટાભાગની શાળાઓમાં બાળકો પાઠ્ય-પુસ્તકોથી વંચિત, ક્યાંથી ભણે ગુજરાત?

Social Share

પાલનપુરઃ રાજ્યના મોટોભાગના જિલ્લાઓમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ  પાઠ્ય-પુસ્તકોની અછત સર્જાઈ છે. જેમાં બનાસકાંઠા જિલ્લો પણ બાકાત નથી. જિલ્લાના દાંતા તાલુકામાં શાળા પ્રવેશોત્સવની પૂર્ણાહુતિ થઈ છે. ઠેરઠેર પ્રાથમિક શાળાઓમાં ઉત્સવો ઉજવાયા પરંતુ મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં બાળકોને પાઠ્યપુસ્તકો જ મળ્યા નથી. જેને લઈ વિદ્યાર્થીઓના વાલીગણમાં ભારે અસંતોષની લાગણી જન્મી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દાંતા તાલુકામાં 210 સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે.  મહત્તમ આદિવાસી અશિક્ષિત વસતિ ધરાવતા દાંતા તાલુકામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવની શનિવારે પુર્ણાહુતી થઈ હતી. ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ દરમિયાન ઠેર ઠેર સરકારી તેમજ વર્તમાન સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જોરશોરથી ઉજવણી કરી બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો છે. પરંતુ તાલુકામાં શિક્ષણ પ્રત્યે તંત્રની ઘોર ઉપેક્ષા ગણો, બેકાળજી ગણો કે પછી ગરીબ બાળકોની કમનસીબી એવી વાસ્ત્વિક્તા બહાર આવવા પામી છે. જ્યાં નવું શાળા સત્ર શરૂ થયે પંદર દિવસના વહાણા વાઇ ગયા તેમ છતાં તાલુકાની મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં બાળકોને પાઠ્યપુસ્તકો જ નસીબ થયા નથી. આવી પરિસ્થિતિમાં બાળકોનો અભ્યાસ જોખમાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં 1 થી 8 ધોરણ ધરાવતી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-3 નું એક પણ પાઠ્યપુસ્તક મળ્યું નથી. ધોરણ-4માં પાંચ વિષયોમાંથી ત્રણ વિષયના પુસ્તકો, ધોરણ-5માં 5 વિષયોમાંથી 3, ધોરણ-6માં 7 વિષયો પૈકી 2, ધોરણ-7માં 7 વિષયો પૈકી 3 અને ધોરણ-8માં 7 વિષયો પૈકી 5 વિષયોના પાઠ્ય પુસ્તકો મોટાભાગની પ્રાથમિક શાળાઓના બાળકોને આજ સુધી મળ્યા જ ન હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. જેને લઈ વિદ્યાર્થીઓના વાલીગણમાં ભારે રોષ અને અસંતોષની લાગણી જન્મી છે.

આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ યાસીનભાઈ મકરાણીએ જણાવ્યું હતું કે ‘શિક્ષણ અને આરોગ્ય આ બે વસ્તુ પ્રજાની પાયાની જરૂરિયાત ગણાય ત્યારે ગરીબ આદિવાસી વસતિ ધરાવતા દાંતા તાલુકાના બાળકો કે જે મોટાભાગે ટ્યુશન પણ કરી શકતા નથી ત્યારે શાળા શરૂ થયે પંદર દિવસ થવા છતાં પુસ્તકો બાળકોને ન મળે તે બાબત ખેદજનક છે.