Site icon Revoi.in

ગીર અભ્યારણ્ય અને વનરાજોના રક્ષણ માટે 1300 કરોડના લાયન પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજુરી

Social Share

અમદાવાદઃ એશીયાઈ સિંહોની એકમાત્ર વસતી ધરાવતાં સૌરાષ્ટ્રનાં ગીર અભ્યારણ્ય અને સિંહના રક્ષણ માટે 1300 કરોડના પ્રોજેકટ લાયનને કેન્દ્ર સરકારે સૈધ્ધાંતિક મંજુરી આપી  છે. હવે આખરી મંજુરી મળે દરખાસ્ત કેન્દ્રીય કેબીનેટને મોકલવામાં આવી છે. સાવજોનાં વિસ્તારમાં શિકાર-અન્ય પ્રાણીઓનો વ્યાપ વધારવા તથા દેખરેખ વ્યવસ્થા વધુ સઘન બનાવવાનો આ પ્રોજેકટ છે.

સુત્રોના જણાવ્યા મુજબ ગીરના અભ્યારણ્ય અને સિંહના રક્ષણ માટે  10 વર્ષ માટેના આ પ્રોજેકટનું અમલીકરણ નેશનલ ટાઈગર ક્ન્ઝર્વેશન ઓથોરીટી કરશે. આ પ્રોજેકટ માટે ગુજરાતના કેટલાંક અધિકારીઓ તથા નિષ્ણાંતોને પણ ડેપ્યુટ કરવામાં આવશે. અમલીકરણ એજન્સી દ્વારા સાવજોને શિકાર સરળતાથી મળી શકે તે માટે વિસ્તાર અન્ય પ્રાણીઓનો વ્યાપ વધારવામાં આવશે.  ઉપરાંત દરીયાપટ્ટી સહિતનાં વિસ્તારોમાં સાવજોને અનુરૂપ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ભાવનગરનાં ઉમઠ, વિરડી, પીર, ગીરનાર, મીતીયાણા, જેસોર, બાબરા, હિંગોળગઢ, તથા રાજુલાથી જાફરાબાદના સાગરકાંઠાના વિસ્તારમાં આવી વ્યવસ્થાની દરખાસ્ત છે. આ વિસ્તારોમાં પણ છેલ્લા બે વર્ષથી સાવજોની અવરજવર છે. સિંહોના વસવાટ માટે આ વિસ્તાર અનુકુળ છે. જોકે સાવજોએ આ વિસ્તારને હજુ કાયમી વસવાટ બનાવ્યો નથી. પ્રોજેકટ લાયન અંતર્ગત ગીર જંગલમાં પણ નિલગાય જેવા પ્રાણીઓને આકર્ષવા માટે ફૂટના વૃક્ષોનું વાવેતર વધારવામાં આવશે. સાવજોને શિકારની શોધમાં જંગલની બહાર ભટકવુ ન પડે તે માટેનો ઉદેશ છે. છેલ્લા કેટલાંક વખતથી સાવજો શિકાર માટે આસપાસનાં માનવ વસાહતનાં વિસ્તારોમાં ઘુસી જતા હોવાના કિસ્સા બહાર આવ્યા છે.

સૌરાષ્ટ્રનાં 30,000 સ્કવેર કિલોમીટરના વિસ્તારમાં સિંહોને વિહાર માલુમ પડે છે. અત્યારની સ્થિતિએ 14000 કી.મી. વિસ્તારમાં કાયમી વસવાટ છે. શિકાર માટેની વ્યવસ્થા, ઉપરાંત કુવા ઢાંકવા તેમજ પીવાના પાણી માટે કૃત્રિમ તળાવ પણ ઊભા કરવામાં આવશે. પ્રોજેકટ લાયન અંતર્ગત સૌરાષ્ટ્રમાં નેશનલ વાઈલ્ડ લાઈફ ડીસીઝ ડાયગ્નોસ્ટીક સેન્ટર વન્ય પ્રાણી રોગ નિદાન કેન્દ્ર સ્થપાશે. સાવજનું મોત થાય ત્યારે ચેકીંગ કરવા ઉપરાંત રોગચાળા સંબંધી નિયમીત દેખરેખ રખાશે. સાવજો ગમે તે કારણોસર દાખલ થાય ત્યારે સમયસર સારવાર માટે નવી હોસ્પિટલ બનાવાશે અત્યારે સિંહોમાં કોઈ રોગનાં લક્ષણ હોય તો પુનાની લેબમાં મોકલવા પડે છે. ગીર આસપાસનાં ગામડામાં વધુ 500 વન મિત્રોની નિયુકિત કરવામાં આવશે. તેઓ સાવજની મુવમેન્ટ ઉપરાંત કોઈ શંકાસ્પદ પ્રવૃતિ માલુમ પડે તે વન વિભાગને જાણ કરશે.અત્યારે 500 વનમિત્ર છે. તેમજ વન વિભાગનાં વન્ય પ્રાણી ડીવીઝન દ્વારા વધારાની સુરક્ષા ચેકપોસ્ટ ઉભી કરાશે.