Site icon Revoi.in

રાજકોટમાં મવડી મેઈન રોડ, બાપા સીતારામ ચોક સહિતના વિસ્તારોમાં 38 દબાણો દુર કરાયાં

Social Share

રાજકોટઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર આડેધડ દબાણો ખડકાયેલા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણો હટાવની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.11 અને 12ના મવડી મેઈન રોડ બાપાસીતારામ ચોકથી વિશ્વેશ્વર મહાદેવ મંદિર સુધીના રોડ પરના 38 જેટલી મિલકતો બહારથી છાપરા, પાર્કિંગમાં ખડકાયેલા દબાણો હટાવીને 239 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. તેમાં હોટેલ, ખાણીપીણીની દુકાનો, ગેરેજ, કરીયાણા સ્ટોર, ખાનગી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.11 અને 12ને લાગુ મવડી મેઇન રોડ પર, ગોલ્ડ કોમ્પ્લેક્ષ, ગ્રીન કોમ્પ્લેક્ષ, સરદાર કોમ્પ્લેક્ષ, વિશ્વેશ્વર મહાદેવ મંદિર તરફના રોડ, સીતારામ કોમ્પ્લેક્ષ, વોર્ડ ઓફિસ પાસેના રોડ પર ઓપરેશન કરવામાં આવ્યું હતું.  જેમાં ખાનગી દવાખાનાના પાર્કિંગના દબાણનો પણ સમાવેશ થાય છે. ટીપીની સાથે દબાણ હટાવ શાખા પણ ઉતરી હતી. આ રોડ પરથી એક રેંકડી, પરચુરણ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી તેમજ મવડી ચોકડીથી મંદિર તરફના રસ્તે 203 બોર્ડ-બેનર ઉતારવામાં આવ્યા હતા.

આ કામગીરીમાં વેસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશ્નર, ટાઉન પ્લાનીંગ ઓફિસર, સીટી એન્જીનીયર, વેસ્ટ ઝોન તેમજ વેસ્ટ ઝોનની જુદી જુદી શાખા અને સુરક્ષા સ્ટાફ જોડાયો હતો. ફાયર શાખાએ આ રોડ પર એક હાઇરાઇઝ બિલ્ડીંગ, ત્રણ કોમર્શિયલ, એક હોટલ, પાંચ હોસ્પિટલ, મસાલા માર્કેટ સહિત 11 જગ્યાએ ફાયર એનઓસીનું ચેકીંગ કર્યુ હતું જ્યારે ગાર્ડન શાખાએ આ રોડ પર 16 વૃક્ષના ટ્રીમીંગ કર્યા હતા અને કુલ 102 વૃક્ષને જીઓ ટેગીંગ પણ કર્યા હતા. રોશની શાખાએ સ્ટ્રીટ લાઇટના ચેકીંગ કરી નડતરરૂપ વાયરીંગ હટાવ્યું હતું. સોલીડ વેસ્ટ શાખાએ જાહેરમાં ગંદકી અને કચરો કરવા બદલ 13 વેપારીને રૂા.3200, ડસ્ટબીન ન રાખતા ચાર વેપારીને રૂા.1000, ઝબલાના ઉપયોગ બદલ 9 વેપારીને રૂા. 4500 સહિત 27 આસામીને રૂા. 9700નો દંડ કરી 8 કિલો ઝબલા, સ્ટ્રો, ગ્લાસ, પ્લાસ્ટીક ચમચી જપ્ત કરી હતી.

Exit mobile version