Site icon Revoi.in

રાજકોટમાં કૂતરા કરડવાના બનાવો વધતા સિવિલમાં દર્દીઓ માટે અલગ ક્લિનિક શરૂ કરાયું

Social Share

રાજકોટઃ ગુજરાતના તમામ મહાનગરોમાં રખડતા કૂતરાનો ત્રાસ વધી રહ્યો છે. જેમાં રાજકોટમાં તો શેરી કૂતરા સ્વાગત માટે રાહ જોઈને બેઠા હોય છે. શહેરમાં કૂતરા કરડવાના (ડોગ બાઈટ)ના બનાવો વધતા જાય છે. રાજકોટમાં સત્તાવાર નોંધાયેલા કેસ જોઈએ તો ડિસેમ્બરમાં 330 લોકોને કૂતરા કરડ્યા હતા. જ્યારે જાન્યુઆરીમાં 357 લોકોને કૂતરા કરડ્યા હતા. તેમજ ગયા મહિને એટલે કે ફ્રેબ્રુઆરીમાં 429 લોકોને કૂતરા કરડ્યા હતા. આમ કૂતરા કરડવાના બનાવો વધતા જાય છે. શહેરમાં ડોગ બાઈટના બનાવમાં મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં અથવા તો સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મળે છે. સિવિલ હોસ્પિટલમાં આ કિસ્સામાં ઈમર્જન્સી વિભાગમાં જઈને સારવાર લેવાની હોય છે પણ હવે ઓપીડી બિલ્ડિંગમાં જ ખાસ ક્લિનિક શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ   સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટના દર્દીઓ માટે અલગ ક્લિનિક શરૂ કરવામાં આવશે. જેમાં  અલગથી તબીબની ફાળવણી કરાશે નર્સિંગ સ્ટાફ હશે તેમજ ડેટા ઓપરેટર પણ હશે. એકાદ સપ્તાહમાં તમામ કામગીરી પૂરી કરી દેવાશે. પહેલા સપ્તાહમાં 15થી 20 આસપાસ ડોગ બાઈટના કેસ આવતા હતા પણ છેલ્લા બે સપ્તાહથી તે વધીને 30 જેટલા કેસ આવી રહ્યા છે. ડોગ બાઈટની સારવાર માટે વેક્સિન અને ઈમ્યુનોગ્લોબિનની સારવાર અપાય છે જોકે તે દર્દીની સ્થિતિને આધારે ડોક્ટર નક્કી કરતા હોય છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાં પણ ડોગ બાઈટની સારવાર કરાય છે. ડિસેમ્બરમાં 330 કેસ નોંધાયા, જ્યારે ફેબ્રુઆરીના અંત સુધીમાં જ આંક 429 થયો છે એટલે કે 30 ટકાનો વધારો નોંધાયો છે.

વેટરનરી તબીબોના કહેવા મુજબ  હાલ  કૂતરાઓમાં બચ્ચાંને જન્મ આપવાની સિઝન ચાલતી હોવાથી કેસ વધ્યા છે અને હજુ બે સપ્તાહ રહેશે. રાજકોટ મહાનગરપાલિકા એક તરફ શ્વાન વ્યંધિકરણ માટે શ્રેષ્ઠ કામગીરીના દાવા કરે છે અને વર્ષે એક કરોડ રૂપિયા માત્ર ખસીકરણ પાછળ ખર્ચે છે. વર્ષોથી આ ખર્ચ કરાતો હોવા છતાં હજુ પણ રખડતા શ્વાનોમાં બ્રીડિંગ થઈ રહ્યું છે અને તેના કારણે કરડવાના બનાવો વધી રહ્યા છે.