Site icon Revoi.in

રાજકોટમાં બેઋતુને કારણે વાયરલ બીમારીના કેસમાં વધારો, દવાખાનામાં લાગતી લાઈનો

Social Share

રાજકોટઃ ગુજરાતમાં ફરી વાદળછાયા વાતાવરણ સાથે રાતે ઠંડી અને બપોરે ગરમી એમ બેઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં ઠંડી-ગરમી મિશ્રિત વાદળછાયા સાથે ભેજનું પ્રમાણ વધતા લોકોમાં શરદી-ઉધરસ અને વાયરલ બિમારીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો સતત વકરી રહ્યો છે. અને રાજકોટ મ્યુનિના આરોગ્ય કેન્દ્રો તેમજ સિવિલ હોસ્પિટલ અને ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. મ્યુનિ.ના ચોપડે 1191 કેસ નોંધાયા છે. ઉપરાંત ઝાડા-ઊલટીનાં 234 કેસ નોંધાયા છે, તેમજ ચિકનગુનિયાનો 1 કેસ સહિત વિવિધ રોગોનાં કુલ 1597 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને ફોગીંગ સહિતની કામગીરી વધુ ઝડપી કરી છે.

આરએમસીના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મ્યુનિ. સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી રહી છે. મ્યુનિ.ના ચોપડે  વિવિધ રોગોનાં 1597 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસનાં 1191 કેસ, ઝાડા-ઉલટીનાં 234 કેસ, સામાન્ય તાવનાં 171 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ચિકનગુનિયાનો પણ 1 કેસ સામે આવ્યો છે. અન્ય ખાનગી હોસ્પિટલો તેમજ નાના-મોટા ક્લિનિકમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ગણવામાં આવે તો આંકડો પાંચ ગણો હોવાની શક્યતા છે.

આરએમસીના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા મુજબ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 19 ફેબ્રુઆરીથી તા.25 ફેબ્રુઆરી દરમિયાન 9,661 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 507 જેટલા ઘરોમાં ફોગીંગ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત અંદાજીત 916 પ્રિમાઈસીસ અને રહેણાંકમાં 316 તો કોર્મશીયલ 191 આસામીને નોટીસ આ૫વામાં આવી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં  ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે અને એકસાથે વઘુ લોકોને કરડી જતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્થેળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ છે. જોકે મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. જેને લઈને આરએમસીના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. (File photo)