Site icon Revoi.in

રાજકોટમાં કોમર્શિંયલ વાહનોના RTOના બાકી ટેક્સની વસુલાત માટે મિલ્કતો પર બોજો નંખાશે

Social Share

રાજકોટઃ ગુજરાતમાં કોમર્શિયલ વાહનો માટેથી આરટીઓ દ્વારા ટેક્સ લેવામાં આવતો હોય છે. ગુડઝ વાહનો તેમજ પેસેન્જર વાહનો માટે ટેક્સના અલગ અલગ દરો હોય છે, રાજકોટ શહેરમાં ઘણાબધા કોમર્શિયલ વાહનોના માલિકોએ વર્ષોથી ટેક્સ ભર્યો નથી. આથી વાહન માલિકો પાસેથી ટેક્સની રકમ વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 16 કરોડ રૂપિયાની વસૂલાત માટે આરટીઓએ 170 વાહન માલિકને નોટિસ આપી છે. જો 15 દિવસમાં વાહન માલિકો ટેક્સની રકમ જમા નહીં કરાવે તો તેમની મિલકત પર બોજો નાખવામાં આવશે. બોજો નાખ્યા બાદ વાહન માલિકો તેમની મિલકત અન્ય કોઇને વેચાણ કે તેના પર લોન મેળવી શકશે નહીં. આરટીઓએ બાકી વસુલાત માટે લાલા આંખ કરતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ આરટીઓએ જે કોમર્શિયલ વાહન માલિકોએ વર્ષોથી સરકારના ટેક્સની ભરપાઈ કરેલ ન હોય તેવા વાહન માલિકોની સંપત્તિ ઉપર બોજો નાખવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જે વાહન માલિકોએ ટેક્સની રકમ ભરપાઇ કરી નથી તેવા વાહન માલિકો સામે કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે આરટીઓ કે.એમ. ખાપેડે જણાવ્યું હતું કે, વર્ષોથી 170 જેટલા વાહનના માલિકે ટેક્સની રકમ ભરપાઇ કરી નથી. તેથી આ તમામ વાહન માલિકોની મિલકત બોજા માટે નોંધ કરવાની પ્રાથમિક શરૂઆત કરી દેવામાં આવી છે. અંદાજે રૂ.16,08,96,571 જેટલી રકમ સરકારમાં 15 દિવસમાં ભરપાઈ કરી દેવા નોટિસ આપવામાં આવી છે. જો 15 દિવસમાં ટેક્સની રકમ ભરપાઇ નહીં કરે તો મિલકતો ઉપર બોજો નાખવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આરટીઓમાં મોટા ભાગે કોમર્શિયલ વાહનો ટ્રક, બસ, ડમ્પર સહિતના વાહનોનો ટેક્સ પ્રતિ વર્ષ જમા કરવાનો હોય છે, પરંતુ અમુક વાહન માલિકો નિયમિત વાહનનો ટેક્સ જમા કરાવતા નથી. ટેક્સની વસૂલાત માટે રાજકોટ આરટીઓએ કડક કાર્યવાહી શરૂ કરી છે અને પ્રથમ વખત વાહન માલિકો પાસે વાહનના ટેક્સની રકમ જમા નહીં કરાવનારની મિલકત પર બોજો નાખવાનું નક્કી કરાયું છે.