Site icon Revoi.in

રાજકોટમાં શેરીના કૂતરાઓએ રમી રહેલા બાળકને બચકાભર્યા, સ્થાનિકોએ દોડી આવી બાળકને બચાવ્યું

Social Share

રાજકોટઃ શહેરની દરેક શેરીઓમાં રખડતા કૂતરાનો ત્રાસ હોય છે. રખડતા કૂતરા કરડતા હોવાની મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. ત્યારે શહેરના શાપર વેરાવળમાં રખડતા શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. જ્યાં રસ્તા પર રમતા બાળકને રખડતા શ્વાને અનેક બટકા ભર્યા હતા. જો કે એ સમયે સ્થાનિકોએ દોડી આવીને મહામહેનતે બાળકને બચાવ્યુ હતું. હાલ માસૂમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં રખડતા કૂતરાઓ રાહદારીઓને કરડતા હોવાની મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને ફરિયાદ કરવા છતાં રખડતા કૂતરાને અંકુશમાં લેવા માટેના કોઈ પગલાં ભરાતા નથી. આરએમસીના સત્તાધિશો માત્ર કૂતરાના ખસીકરણના આંકડા આપીને સંતોષ માની રહ્યા છે. ત્યારે શહેરના શાપર વેરાવળ ખાતે આવેલા શીતળા માતાના મંદિર પાસે શુક્રવારની રાત્રે 8:30 કલાક આસપાસ અર્શદ મહમદ અંસારી નામના અઢી વર્ષના બાળકને શ્વાને બચકા ભર્યા હતા. અર્શદ નામનો બાળક શીતળા માતાના મંદિર પાસે રમવા ગયો હતો. જે સમયે તેને શ્વાને આગળ અને પાછળના ભાગે બટકા ભર્યા ભર્યા હતા. તેથી બાળક રડવા લાગતાં સ્થાનિક લોકોએ દોડી આવીને કૂતરાને હટાવીને બાળકને બચાવ્યું હતુ. આ અંગે બાળકની માતાએ જણાવ્યું હતું કે, તેમનો દીકરો અરશદ અન્સારી રસ્તા પર રમવા ગયો હતો. તેઓ ઉપર કામ કરી રહ્યા હતા. એ સમયે કોઈએ તેમને કહ્યું હતું કે તેમના બાળકને શ્વાને અનેક બટકા ભર્યા છે. જેને પગલે તેઓ નીચે આવ્યા હતા.એ સમયે સ્થાનિક લોકોએ બાળકને કુતરાની ચુંગાલમાંથી છોડાવી દીધું હતું. અને બાળકના પગ પાસેથી લોહી વહી રહ્યું હતું. જેથી તેને સત્વરે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યાં હાલ તે સારવાર હેઠળ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરમાં લોકોને સૂમસામ રસ્તા ઉપર દરરોજ શ્વાનોનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા શ્વાનોને પકડવાનું ‘નાટક’ તો સદંતર બંધ જ કરી દેવામાં આવ્યું હોવાથી કૂતરાની વસતી ઘટવાને બદલે સતત વધી રહી  છે. અને હવે તો શહેરના અનેક રસ્તાઓ ઉપર ટોળાં સ્વરૂપે શ્વાનો અડ્ડો જમાવીને બેસી જાય છે તેથી જરૂરી કામસર બહાર નીકળતાં લોકોને સૌથી પહેલી ચિંતા શ્વાનોની સતાવવા લાગી છે. (file photo)