Site icon Revoi.in

રાજકોટમાં સ્કુલ બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા વિદ્યાર્થિનીએ બસનું સ્ટિયરિંગ ફેરવી દેતા થયો બચાવ

Social Share

રાજકોટઃ  શહેરના ગોંડલ રોડ પર  એક સ્કૂલની બસનો અકસ્માત સર્જાયો હતો. સ્કુલ બસચાલકને ચાલુ બસે હાર્ટએટેક આવતા તેને સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સ્કુલબસે બે વાહનને અડફેટે લીધા હતા. જોકે સ્કુલ બસમાં ડ્રાઈવરની પાછળની સીટ પર બેઠેલી એક વિદ્યાર્થિનીએ ડ્રાઈવરને કંઈક થયું છે તેમ લાગતા જ તરત જ તેણીએ બસનું સ્ટિયરિંગ ફેરવી દેતા બસ રસ્તાની બાજુમાં વીજપોલ સાથે અથડાઇ હતી. વિદ્યાર્થિનીની સમય સુચકતાના કારણે મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટની ભરાડ સ્કૂલ બસ આજે ગોંડલ રોડ પરથી પસાર થઇ રહી હતી. ત્યારે બસચાલક હારૂનભાઇ (ઉં.વ.56)ને હાર્ટ એટેક આવતા તેમણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસે બે જેટલા વાહનને અડફેટે લીધા હતા. જોકે બસ ચાલકને એટેક આવ્યો આ સમયે બસમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ભૈરવી વ્યાસે સમયસૂચકતા સાથે સ્ટિયરિંગ ફેરવી દેતા બસ અન્ય વાહનો સાથે અથડાવાના બદલે વીજપોલ સાથે અથડાઈ હતી. ઉલ્લેખનીય છે કે હાલ હારૂનભાઇ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તબિયત સુધારા પર હોવાનું કહેવાય છે.

શહેરમાં અકસ્માતના અન્ય એક બનાવમાં રાજકોટના નવાગામ રંગીલામાં રહેતા અને મૂળ ઉતરપ્રદેશના ચંદ્રવાન રામશ્રી ચૌહાણ (ઉં.વ.21), અમીત ફાગુભાઈ ચૌહાણ અને જયંતભાઈ ચૌહાણ ગઇકાલે સાંજના ગ્રીનલેન્ડ ચોકડી પાસે શાકભાજી લેવા માટે જતા હતા. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ત્રણેય યુવકો રોડ ક્રોસ કરતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા ત્રણેય યુવકો ફૂટબોલના દડાની માફક ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં ચંદ્રવાનને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. આથી બનાવ સ્થળે ટ્રાફિકજામ સર્જાયો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિકજામ હળવો કરી ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડ્યા હતા અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

અકસ્માતના ત્રીજા બનાવમાં રાજકોટના મોરબી રોડ પર બેડી માર્કેટિંગ યાર્ડ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે બાઇકને એડફેટે લેતા બાઈક સવાર બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત લોકોને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાઈક સવાર બન્ને ઈજાગ્રસ્ત વ્યક્તિ માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરે છે. અકસ્માત સર્જી ચાલક કાર પૂરપાટ ઝડપે હંકારી ભાગી છૂટ્યો હતો. કારમાં નંબર પ્લેટ નહોતી. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી તેના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા બેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે.