Site icon Revoi.in

વાવ તાલુકાના રાણશરી ગામે કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યાં

Social Share

પાલનપુરઃ બનાસકાંઠાના વાવ તાલુકાના રાણેશરી ગામમાં પસાર થતી નર્મદા કેનાલમાં મસમોટું ગાબડું પડતા આસપાસના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા. ખેતરો જાણે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. કેનાલોમાં વારંવાર  ગાબડા પડતા હોવાથી તેનો કાયમી ઉકેલ લાવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના રાણેશરી ગામ નજીક કેનાલ તૂટવાથી ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂતોએ કેનાલ પરથી વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી વાવણી કરેલા પાકમાં કેનાલના પાણી ફળી વળવાને કારણે નુકસાન થયું છે. ખેડૂતોની માંગ છે કે, અવાર નવાર તૂટતી કેનાલોના કારણે ખેડૂતો લાખો રૂપિયાનું નુકસાન વેઠી રહ્યા છે. જેથી સત્વરે કેનાલની મરામત કરીને કાયમી ઉકેલ લાવવા જોઈએ.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠામાં નબળા બાંધકામને લીધે કેનાલો વારંવાર તૂટી જવાના બનાવો બની રહ્યા છે. હાલ રવિ સીઝનના ટાણે જ વાવના રાણશેરી ગામ પાસે કેનાલમાં મોટું ગાબડું પડતા કેનાલના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યા હતા. આ અંગે ખેડુતોએ સિચાઈ વિભાગને પણ રજુઆત કરીને કેનાલને તાત્કાલિક મરામત કરવાની માગ કરી છે. કેટલાક ખેડુતોએ તો કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા તેનો મોબાઈલ ફોનમાં વિડિયો ઉતારીને સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તેમજ સ્થાનિક ધારાસભ્યને પણ આ મામલે રજુઆત કરી છે. કેનાલ જર્જરિત બની ગઈ છે. વહેલી તકે કેનાલને મરામત કરવામાં આવે તેવી માગ ઉઠી છે.