Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં આજી-ભાદર સહિત 8 ડેમમાં નવેમ્બર સુધી ચાલે તેટલું પાણી જ ઉપલબ્ધ છે

Social Share

રાજકોટ :  સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા વિકટ સ્થિતિ સર્જાય તેમ છે. ચાલુ સિઝનમાં સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછો વરસાદ થયો છે. જેનાં કારણે પાણીની મોટી સમસ્યા સર્જાવાના ભણકારા વાગી રહ્યા છે. અત્યાર સુધી નોંધપાત્ર વરસાદ થયો ન હોવાથી રાજકોટ જિલ્લાની પ્રજાને પાણી પૂરું પાડતાં જળાશયોમાં નવાં પાણીની પૂરતા પ્રમાણમાં આવક પણ થઈ નથી. જેનાં કારણે સિંચાઈ ઉપરાંત પીવાનાં પાણીનો પ્રશ્ન પણ વિકટ બનવાની શક્યતા રાજકોટ જિલ્લા કલેક્ટરે દર્શાવી હતી. રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા આજી-1, ન્યારી-1 અને ભાદર-1 સહિતનાં જળાશયોમાં રાજકોટ માટે ફક્ત નવેમ્બર સુધી ચાલે તેટલો જળજથ્થો ઉપલબ્ધ છે અને સૌની યોજના હેઠળ નર્મદાનીર ઠાલવવા માગણી કરવામાં આવી છે પરંતુ હજુ સુધી નર્મદા નીરનું એક ટીપું પણ ઠલવાયું નથી.

રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. ફક્ત ગત વર્ષની તુલનાએ પણ હજુ 14 ઈંચ વરસાદની ઘટ છે. જો આગામી દિવસોમાં ભરપૂર વરસાદ ન વરસે તો રાજકોટ પીવાનાં પાણી માટે સંપૂર્ણપણે નર્મદા નીર આધારિત થઈ જશે. એક દિવસ પણ નર્મદા નીર નહીં મળે કે ઓછું મળશે તો પાણીની સમસ્યા સર્જાશે. 2019માં તા.25 ઓગસ્ટે આજી-1 ડેમ ઓવરફલો થઈ ચૂક્યો હતો અને રાજકોટનો મોસમનો કુલ વરસાદ 38.5 ઈંચ થયો હતો. 2020માં 25 ઓગસ્ટે જળાશયોમાં વિપુલ માત્રામાં જળજથ્થો ઉપલબ્ધ થઈ ગયો હતો અને મોસમનો કુલ વરસાદ 37 ઈંચ થયો હતો જ્યારે ચાલુ વર્ષ 2021માં હજુ જળાશયો ખાલી છે અને મોસમનો કુલ વરસાદ માત્ર 23 ઈંચ થયો છે.
કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની પ્રજાને ભાદર, ફોફળ, આજી-3, ન્યારી-2, બેટી, મોજ અને વેણુ ડેમમાંથી પીવાનું પાણી આપવામાં આવે છે. આ તમામ ડેમમાં હાલ પાણીનો જથ્થો નવેમ્બર માસ સુધી ચાલે તેમ છે. ભાદર અને આજી-2માં ડિસેમ્બર સુધી ચાલે તેટલું પાણી છે. આગામી સપ્તાહે પીવાનાં પાણી સંદર્ભે ખાસ બેઠક બોલાવી સરકારમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જેમાં રાજકોટ જિલ્લાનાં પીવાનાં પાણીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌની યોજના મારફત પાણી પૂરું પાડવા માટે સરકારમાં દરખાસ્ત પણ કરવામાં આવશે.