Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રથી સ્નાતકના કોર્સ 4 વર્ષનો અને અનુસ્નાતક 1 વર્ષનો કરાશે

Social Share

રાજકોટઃ ગુજરાતમાં અન્ય યુનિવર્સિટીઓની જેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ નવા શૈક્ષણિક સત્રથી ગ્રેજ્યુએશનનો અભ્યાસક્રમ ચાર વર્ષનો અને અનુસ્નાતકનો અભ્યાસક્રમ એક વર્ષનો કરાશે. એટલે હવે બીએ, બી,કોમ, અને બીએસસી, બીબીએસ બીસીએ સહિતના સ્નાતકના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને ચાર વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ગ્રેજ્યુએશનની ડિગ્રી મળશે. જ્યારે અનુસ્નાતકનો હાલ બે વર્ષનો અભ્યાસક્રમ છે. તેના બદલે એક વર્ષનો કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતી કાલે તારીખ 23ને સોમવારે એકેડેમિક કાઉન્સિલની બેઠક મળવાની છે. આ મિટિંગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ચાલુ જોડાણ અને નવા જોડાણ સહિતના જુદા જુદા 181 જેટલા એજન્ડાની ચર્ચા વિચારણા કર્યા બાદ મંજૂરી અપાશે. પરંતુ આ મિટિંગમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે આગામી જૂન-2023થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સ્ટેચ્યુટ 158(A) મંજૂરી માટે એજન્ડામાં સામેલ કરાયું છે. આ સ્ટેચ્યુટ અંતર્ગત રાજ્યની અન્ય યુનિવર્સિટીઓની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ગ્રેજ્યુએશન 4 વર્ષ અને પોસ્ટ ગ્રેજ્યુએશન 1 વર્ષનો કરવા અમલવારી કરવામાં આવશે.જૂન-2023થી સૌરાષ્ટ્ર યુનિ.માં પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સ્નાતકનો કોર્સ જે અત્યાર સુધી ત્રણ વર્ષનો હતો તે ચાર વર્ષ કરવા અને અનુસ્નાતકનો કોર્સ જે અત્યાર સુધી બે વર્ષનો હતો તે એક વર્ષનો કરવા સ્ટેચ્યુટને નવા સ્વરૂપે મંજૂરી માટે મુકાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ પદ્ધતિ ક્યારથી અમલી થશે તે અનિશ્ચિત હતું પરંતુ સોમવારે એકેડેમિક કાઉન્સિલ અને ત્યારબાદ સિન્ડિકેટમાં મંજૂરી માટે મુકાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા BA, B.Com, B.Sc, BCA, BBA અને LLB સહિતના UG કોર્સ અત્યાર સુધી 3 વર્ષના હતા. હવે નવા શૈક્ષણિક વર્ષની આગામી જૂનથી શરૂઆત થશે. ત્યારથી તેની અવધિ 4 વર્ષની થઈ જશે.આ તમામ કોર્સની ફીમાં ફેરફાર થવાની સંભાવના નહીંવત છે. ગ્રેજ્યુએશન ચાર વર્ષ અને પોસ્ટ ગ્રેજ્યુએશન એક વર્ષ કરવાથી સૌથી મોટો ફાયદો વિદેશ ભણવા જતી વેળાએ થશે. ઘણા દેશોમાં આપણું 3 વર્ષનું ગ્રેજ્યુએશન માન્ય નહોતું રહેતું. પરંતુ હવે 4 વર્ષનું ગ્રેજ્યુએશન થશે અને કોર્સની ક્રેડિટ સ્ટુડન્ટની એબીસી ક્રેડિટની ડિપોઝિટરીમાં જમા રહેશે.