Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતમાં આંબાઓ પર મોર ન બેસતા અને સુકારાને લીધે કેસર કેરીના પાક પર અસર પડશે

Social Share

નવસારી: સૌરાષ્ટ્રના ગીરની જેમ દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડથી લઈને નવસારી સુધી અનેક આંબાવાડીઓ આવેલી છે. અને કેસર કેરીનું સારૂએવું ઉત્પાદન થાય છે. શિયાળાની ઋતુમાં એટલે કે માગસર મહિનાથી આંબાઓ પર મોર બેસી જાય છે. એટલે કે આંબાઓ પર આંમ્રમંજરીઓ જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે વિપરિત હવામાનને કારણે તેમજ સુકારા નામના રોગને કારણે આંબાઓ પર હજુ મોર બેઠા નથી. તેના લીધે કેસર કેરીના ઉત્પાદનને ફટકો પડશે તેથી ખેડુતો ચિંતિત બન્યા છે.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોથી ફળોના રાજા કેરીની ખેતી પ્રભાવિત થઇ રહી છે. ઠંડીની શરૂઆત થતા જ આંબાવાડીઓમાં આમ્રમંજરી આવવા માંડે છે. પરંતુ થોડા દિવસો અગાઉ થયેલા માવઠાને કારણે આંબામાં જીવાત અને ત્યારબાદ સુકારાનો રોગ લાગ્યો હતો. જેની સાથે જ હાલમાં ઠંડી–ગરમી બંને રહેતા આંબાવાડીઓમાં આમ્રમંજરી દેખાતી નથી. જેથી આ વખતે કેરીના ઉત્પાદનમાં ફટકો પડવાની દહેશતને લીધે ખેડૂતોમાં ચિંતા વધી છે.

નવસારી બાગાયતી જિલ્લો છે. આ વિસ્તારની કેસર ગુજરાત સહિત દેશ – દુનિયામાં પ્રખ્યાત છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાને કારણે ઋતુચક્ર પાછળ ઠેલાતું જાય છે. જેની સીધી અસર ખેતી પાકો ઉપર વર્તાઈ રહી છે. ચોમાસામાં જિલ્લાની આંબાવાડીઓમાં નવી કુંપળો આવી હતી અને શિયાળામાં સારો મોર (આમ્રમંજરી) આવે એની ખેડૂતોને આશા હતી. પણ નવેમ્બરમાં માવઠા સાથે બરફના કરા પડ્યા બાદ ગાઢ ધુમ્મસ સાથે વહેલી સવારે ઝાંકળ રહ્યુ અને વાદળછાયા વાતાવરણને કારણે આંબા પર ચુસીયા પ્રકારની ઈયળ (ડેગા) નો ઉપદ્રવ વધ્યો હતો. જેથી આંબામાં સુકારાનો રોગ લાગી જતા. મોટાભાગની આંબાવાડીઓમાં આમ્રમંજરી આવી નથી. આંબામાં આમ્રમંજરી ફૂટવા માટે 15 ડીગ્રી સુધી ઠંડી જરૂરી થઇ જાય છે. ત્યારે આવનારા દિવસોમાં ફૂલ ગુલાબી ઠંડી પડે, તો આંબાઓ ઉપર સારો મોર ફૂટવાની ખેડૂતો આશા સેવી રહ્યા છે. પરંતુ જો વાતાવરણમાં બદલાવ ન થાય, તો કેરી માટે મુશ્કેલી સર્જાશે. નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતો વાદળછાયા વાતાવરણમાં આંબાવાડીઓમાં રોગ અને જીવાત થવાની શક્યતાને જોતા ખેડૂતોને ભલામણ કરાયેલી દવાઓનો છંટકાવ કરવા સલાહ આપી રહ્યા છે.