Site icon Revoi.in

સુરતમાં લોકોને નાગા બાવાની ઓળખ આપી હિપ્નોટાઈઝ કરીને લૂંટ કરતો મદારી પકડાયો

Social Share

સુરતઃ શહેરમાં લોકોને હિપ્નોટાઈઝ કરીને હવામાં ભસ્મ ઉડાવીને રોકડ રૂપિયા અને પહેરેલા સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરતો એક મદારી શખસને શહેરની જહાંગીરપુરા પોલીસે મહેસાણાના દહેગામથી દબોચી લીધો છે. મદારી શખસ લક્ઝુરિયસ કારમાં મંદિર પાસે આવીને નાગા બાવા હોવાની ઓળખ આપી લોકોને લૂંટી લેતો હતો. લોકોને રસ્તો પૂછવા અથવા તમારી ઉપર ખોટી વિદ્યાનો પ્રકોપ છે એવી વાતો કરી લોકોને હિપ્નોટાઈઝ કરતો હતો. જે-તે વ્યક્તિ તેની વાતોમાં આવી જાય. ત્યાર બાદ હવામાં ભસ્મ ઉડાવી સ્તબ્ધ કરી દેતો અને સોનું કે ખિસ્સામાંથી રૂપિયા કઢાવીને ફરાર થઈ જતો હતો. આરોપીએ છેલ્લા ત્રણેક મહિનામાં લોકોને હિપ્નોટાઈઝ કરીને એક કરોડ રૂપિયાની લૂટ કરી હોવાની પ્રાથમિક વિગતો મળી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના  જહાંગીરપુરા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં એક શખસ બાવો બનીને લોકો પાસેથી સોનું, રોકડ લઈને નાસી ગયાની ફરિયાદ મળી હતી. જહાંગીરપુરા પોલીસે સીસીટીવી કૂટેજ મેળવી, મોબાઈલ સર્વેલન્સને આધારે તપાસ કરતાં આરોપીનું લોકેશન  મહેસાણાના દહેગામથી મળતા પોલીસે દહેગામ જઈને વનરાજ મદારીની ધરપકડ કરી હતી. પકડાયેલો આરોપીની મોડેસ ઓપરેન્ડી જાણી પોલીસ ચોંકી ઊઠી ગઈ હતી. છેલ્લા ત્રણેક મહિનામાં એક કરોડ રૂપિયા જેટલી છેતરપિંડી કરી હોવાની પ્રાથમિક વિગચો મળી છે.

પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી મદારીની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે વલસાડથી મર્સિડીઝ કે BMW લકઝરી કારમાં સુરત શહેરમાં આવીને મંદિર પાસે ઊભો રહેતો હતો. મંદિર પાસે કોઈ મહિલા કે વૃદ્ધ સોનું પહેરીને ઊભા હોય તેમને મંદિરનું સરનામું પૂછતો હતો. ત્યાર બાદ પોતે નાગો બાવો છે એવું જણાવીને ધાર્મિક વાતો કરીને આંજી દેતો હતો. બાદમાં હવામાંથી ભસ્મ ઉડાવી, સોનાની લગડી કે પૈસા કાઢવા માટે જાદુ કરીને સામેવાળાને સ્તબ્ધ કરી દેતો હતો. મદારી જે-તે વ્યક્તિ સાથે વાત કરી તેમને હિપ્નોટાઈઝ કરી લેતો હતો. તેમની પાસેથી દાગીના ઊતરાવી લેતો હતો. ખિસ્સામાંથી રોકડ કઢાવી લેતો હતો. લૂંટારું શખસ કારમાં નીકળી ગયા પછી લોકોને પોતે લૂંટાઈ ગયાની ખબર પડતી હતી. આરોપી તેના સાગરીતો સાથે વલસાડ, નવસારી, સુરતનાં મંદિરોને નિશાન બનાવતો હતો. ભરૂચ, વડોદરાથી દહેગામ સુધી આરોપીએ એકાદ કરોડથી વધુની ઠગાઈ કરી છે.