Site icon Revoi.in

સુરતમાં રૂ. 5માં જવાની સુવિધા પુરી પાડવાનું કોંગ્રેસનું વચનઃ કોંગ્રેસે સંકલ્પ જાહેર કર્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. અમદાવાદ અને સુરત સહિત છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ચૂંટણી યોજાશે. જેની ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન સુરત મનપાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા સંકલ્પ જાહેર કરાયાં છે.

કોંગ્રેસ દ્વારા સંકલ્પ જાહેર કરાયા છે કે, જો સુરત મનપામાં કોંગ્રેસ જીતશે તો લોકોને વેરામાં રાહત આપવામાં આવશે. એટલું જ નહીં સીટી બસમાં ફ્રીમાં મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવશે. શહેરીજનોને માત્ર પાંચ રૂપિયામાં જમવાનું મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે શહેરના તમામ વોર્ડમાં બે રસોઈ ઘર બનાવવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળી રહે તે માટે 100 જેટલી સ્માર્ટ શાળાઓની રચના કરવામાં આવશે. જે ગામોનો સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે ગામોમાં વિકાસના કાર્યો શરૂ કરવામાં આવશે. આ ઉપર સુરત શહેરને પ્રદુષણ મુક્ત બનાવવામાં આવશે. એટલું જ નહીં શહેરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાન બનાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના શહેરી વિસ્તારમાં ભાજપ તરફી મતદારો સૌથી વધારે છે. જેથી કોંગ્રેસ દ્વારા શહેરી વિસ્તારોમાં પાર્ટીને વધારે મજબુત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ટોચના નેતાઓ પણ ગુજરાત આવશે અને ચૂંટણીપ્રચાર કરશે. લગબગ 200 જેટલા નેતાઓ 6 હજાર જેટલા સભા-સંમેલનને સંબોધિત કરશે.