Site icon Revoi.in

સુરતમાં કેનાલ રોડ પર મોટો ભૂવો પડ્યો, લોકોએ ભાજપનો ઝંડો લગાવી દીધો

Social Share

સુરત: શહેરમાં ભારે વરસાદ પડ્યા બાદ રોડ-રસ્તાઓ પર ભૂવા પડી રહ્યા છે. જેમાં શહેરના કેનાલ રોડ પર આખેઆખી કાર સમાય જાય એટલો મોટો ભૂવો પડતા આજુબાજુના સ્થાનિક લોકોએ મ્યુનિ.ના તંત્રની ટીકા કરી હતી. અને કેટલાક લોકોએ ભૂવા પર ભાજપના કમળના સિમ્બોલવાળો ધ્વજ લગાવી દીધો હતો. આમ લોકોએ મુક બનીને ભાજપના સત્તાધિશો સામે વિરોધ કર્યો હતો.

સુરત શહેરના પુણા કેનાલ રોડ પર આખેઆખી કાર સમાઈ જાય એટલો મોટો ભૂવો પડતા આસપાસના લોકો ચોંક્યા હતા અને તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. કેનાલ રોડ પર આવેલી પરમ હોસ્પિટલ નજીક મોટો ભુવો પડ્યો હતો. રસ્તામાં વચ્ચોવચ્ચ જ ભુવો પડતા તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરી સામે પણ સવાલ ઉભા થયાં હતા અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.આ ઘટનાના વિરોધમાં નગરજનો દ્વારા ભાજપનો ધ્વજ ભૂવા પર લગાડવામાં આવ્યો હતો અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ભુવો છે એ ભાજપના ભ્રષ્ટ્રાચારનો ભુવો છે તેમ કહીને ભાજપ સરકાર તંત્રની નિષ્ફળ કામગીરી સામે કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કર્યો હતો.

સુરત શહેરમાં ભૂવો પડવાની જાણે સિઝન જામી હોય તેમ રાજ્યભરના મેગાસિટીમાં મોટા ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે. ચોમાસાની શરુઆતથી જ શહેરમાં ઠેર-ઠેર ખાડાઓ પડી રહ્યા છે. ત્યારે રોડ રસ્તાની નબળી કામગીરીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશનના અંધેર વહીવટના કારણે શહેરમાં ખાડા પડવા, ભુવા પડવા, રસ્તાઓનું ધોવાણ થવું તે હવે સામાન્ય બાબત બની ગઈ છે.