ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવથી બચવા માટે વેક્સિનેશન વધારવામાં આવી રહ્યું છે. શહેરના કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધી 80થી 85 ટકા રસીકરણ કરી દેવામાં આવ્યું હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો.
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 2 લાખ 85 હજાર 500 મતદારો છે. જેમાથી 2 લાખ 71 હજાર 506 લાભાર્થીને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 73 હજાર 405 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપી દેવાયો છે. આમ 80થી 85 ટકા લોકોનું ટીકાકરણ થઈ ચૂક્યું છે. ત્યારે જુલાઈ મહિનાના અંત સુધીમાં બાકીનાં લોકોને પણ રસીકરણ કરી સો ટકા કામગીરી પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક કોર્પોરેશન તંત્ર દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કોર્પોરેશન વિસ્તારમાં 9 હજાર 302 કોરોના પોઝિટિવ દર્દીઓ સરકારી દફતરે નોંધાયા છે જ્યારે 41 દર્દીઓ જ મૃત્યુ પામ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. એજ રીતે ગાંધીનગર જિલ્લાના દહેગામ, કલોલ, માણસા અને ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારોમાં 4 લાખ 39 હજાર 848 લાભાર્થીને કોરોના રસીનો પ્રથમ ડોઝ તેમજ 1 લાખ 19 હજાર 843 લાભાર્થીને કોરોના રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા જિલ્લા આરોગ્ય તંત્ર ધમ પછાડા કરી રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાં એકસો ટકા રસીકરણ કરવા મહારસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં 145 સેન્ટરો પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ રસીનો પૂરતા પ્રમાણમાં જથ્થો મળી ન રહેતા ક્રમશઃ રસીકરણ કેન્દ્રો ઘટાડી દેવાની ફરજ પડી છે. જેનાં પગલે હાલમાં માત્ર 45 સેન્ટરો પરથી જ કોરોના રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જુલાઈના અંત સુધીમાં 100 ટકા રસીકરણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે જે માટે દૈનિક 5થી 6 હજાર કોરોના રસીની જરૂરિયાત છે, પરંતુ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા 3 હજાર જેટલા જ ડોઝ આપવામાં આવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લા અને ગ્રામ્યની વસ્તી 11 લાખ 10 હજાર જેટલી છે. જેમાથી 4 લાખ 33 હજાર લાભાર્થીને પ્રથમ તેમજ 1 લાખ 18 હજાર લાભાર્થીને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેથી અત્યાર સુધીમાં ચારેય તાલુકામાં 51 ટકા જેટલું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 18 વર્ષથી 44 વર્ષના 38 ટકા લાભાર્થીઓ નું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. હાલમાં દૈનિક 8 હજાર રસીનો ડોઝ ફાળવવામાં આવે છે જે મુજબ રસીકરણની કામગીરી કરવામાં આવે છે. આમ એક રીતે જોતા ગ્રામ્યમાં અત્યાર સુધીમાં રસીકરણ 51 ટકા લોકોને થઈ શક્યું છે. એમાંય વળી ગ્રામ્ય અમુક વર્ગમાં રસી માટેની જાગૃતતા દાખવવામાં આવતી નથી. જેની સામે શહેરમાં માત્ર વીસેક ટકા લોકોનું જ વેક્સિનેશન બાકી રહ્યું છે.