Site icon Revoi.in

ગીર જંગલમાં સાત વનરાજો કૃત્રિમ કુંડમાં પાણી પીતા એકસાથે જોવા મળ્યાં, કતાર ગામે 13 સિંહો દેખાયા

Social Share

જુનાગઢઃ ઉનાળાની અસહ્ય ગરમીમાં જંગલના વનરાજો પણ આકૂળ-વ્યાકૂળ થતા હોય છે,  જેમાં જંગલમાં ઝરણાઓ પણ સૂકાઈ જાય છે. સિંહોને  ઉનાળામાં પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે વન વિભાગ દ્વારા કૃત્રિમ કૂંડીઓ બનાવવામાં આવી છે. અને દિવસે-આંતરે કુંડીઓને પાણીથી ભરવામાં આવે છે. આવી કુંડીઓ પર સિંહો જ નહીં અન્ય પ્રાણીઓ પણ પોતાની તરસ બુઝાવવા માટે આવતા હોય છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયો હતો. જેમાં એક અવાડા જેવી કૂંડીમાં સાત જેટલા સિંહ પાણી પી રહ્યા છે. આ વિડિયોને વન વિભાગે પણ પુષ્ટિ આપી હતી. એક સાથે સિંહ પરિવારના સાત સભ્યો જંગલ સફારીના રૂટ પર આવતા કૃત્રિમ પાણીના કુંડમાંથી પાણી પી તરસ છિપાવતા પ્રવાસીના કેમેરામાં કેદ થયા હતા

ઉનાળાની સીઝનમાં ગીર જંગલ વિસ્તારમાં આવેલા કુદરતી પાણીના પોઈન્ટો સુકાઈ જતા હોય છે. જેથી સિંહ, દિપડા સહિતના વન્યપ્રાણીઓને પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે વન વિભાગ દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે કુદરતી અને આર્ટિફિશિયલ મળી 500 જેટલા પાણીના પોઇન્ટો સમગ્ર જંગલ વિસ્તારમાં ઉભા કરાયા છે. આ પોઈન્ટમાં વોટર ટેન્કર, સોલાર પંપ અને પવન ચક્કીથી નિયમિત ભરવામાં આવે છે. ઉનાળાની સમગ્ર સીઝન દરમિયાન સિંહ સહિતના વન્યપ્રાણીઓ આ પાણી ભરાતા પોઈન્ટો ઉપરથી તરસ છીપાવતા હોય છે.

તાજેતરમાં ગીર જંગલમાં સફારી રૂટ ઉપર વનવિભાગ દ્વારા ઉભા કરાયેલા આવા જ એક આર્ટિફિશિયલ પીવાના પાણીના પોઇન્ટ ઉપર સાત સિંહ એકસાથે પાણી પી તરસ છીપાવી રહ્યા હતા. આ સમયે જંગલની સફારી રૂટ પર ગયેલ એક પ્રવાસી ગ્રૂપના સભ્યના મોબાઈલમાં એક સાથે કુંડમાંથી પાણી પીતા 7 સિંહોના પરિવારના અદભુત દ્રશ્યો વીડિયો રૂપી કેદ થયો હતો. આમ, આકરા તાપ અને ગીર જંગલમાં પડતી પ્રચંડ ગરમીમાં સિંહ પરિવાર એકી સાથે વોટર પોઇન્ટ પર પાણી પીતો દ્રશ્યમાન થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવતા સિંહના વીડિયો અવારનવાર વાઈરલ થતા રહે છે. તેની વચ્ચે રાજુલા તાલુકાના કાતર ગામમાં એક સાથે 13 સિંહ ઘૂસી આવતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો. રાત્રિના સમયે ગામમાં ઘૂસી આવેલા સિંહના ટોળાની ગતિવિધિ ગામલોકોએ મોબાઈલમાં કેદ કરી હતી.