Site icon Revoi.in

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં ચોમાસાની સીઝનમાં 16000થી વધુ લોકોને સર્પ કરડ્યાં

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં સર્પ કરડવાના બનાવો સૌથી વધુ બનતા હોય છે. વરસાદી સીઝનમાં પાણી દરમાં ભરાવવાથી સર્પ બહાર નીકળતા હોય છે.108ને મળેલા કોલ મુજબ છેલ્લાં 4 વર્ષમાં ગુજરાતમાં 16 હજાર 670 લોકોને સાપ કરડવાનો બનાવ બન્યા હતા. જ્યારે અમદાવાદમાં છેલ્લા ચાર વર્ષમાં સાપ કરડવાના કુલ 327 કેસ નોંધાયા હતા. જેમાં 21 જૂન 2021 સુધીમાં જ 22 જેટલા કેસ નોંધાયા છે.

રાજ્યભરમાં ચોમાસા દરમિયાન સાપ કરડવાના કેસ નોંધાતા હોય છે.પરંતુ સૌથી વધુ વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, નવસારીમાં સાપ કરડવાના કોલ આવે છે. ચોમાસામાં સાપના દરમાં વરસાદી પાણી ઘૂસી જતા સાપ બહાર આવી જતા હોય છે. ચોમાસામાં દેડકા વધારે જોવા મળતા હોવાથી શિકાર કરવા સાપ ગમે ત્યાં પહોંચી જતા હોય છે. જેથી દેડકાની પાછળ સાપ ઘરમાં પણ આવી જતા હોય છે અને સર્પ દંશના બનાવો વધતા હોય છે. જીવદયા પ્રેમી ઘણા લોકો સર્પ પકડીને તેને જંગલ વિસ્તારમાં છોડવાની નિશુલ્ક સેવાઓ આપી રહ્યા છે. ગાંધીનગરમાં રહેતાં 56 વર્ષના પ્રદીપભાઈ સોલંકી ઓફીસના કામકાજનો સમય છોડીને જીવદયાની પ્રવૃત્તિ કરે છે.

ગાંધીનગરમાં સચિવાલય, મંત્રી નિવાસ, સરકારી કચેરીઓ અને રહેણાંક વિસ્તારમાં ક્યાંય પણ સાપ નીક્ળ્યો હોવાની ફરિયાદ મળે તો પ્રદીપભાઈ તુરંત ત્યાં પહોંચી જાય છે.   ગાંધીનગરની ગ્રામીણ બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રદીપ સોલંકી અને તેમની દીકરી ધ્રુવા ગાંધીનગર વિસ્તારમાં નીકળી આવતા સાપોને પકડીને સુરક્ષિત સ્થાને પહોંચાડવાનું નિઃશુલ્ક અને નિઃસ્વાર્થ ભાવે કામ કરે છે. તેઓ અત્યાર સુધી 1600થી વધારે ઝેરી અને બિનઝેરી સાપને પકડીને તેનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત જંગલમાં છોડી આવ્યાં છે.