Site icon Revoi.in

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 1250થી વધુ કેદીઓ પોલીસના જાપતામાંથી રફુચક્કર થયાં

Social Share

અમદાવાદઃ ગુજરાત પોલીસના જાપતામાંથી છેલ્લા બે વર્ષમાં 1250થી વધુ કેદીઓ નાસી ગયા હતા. એટલે કે, જ્યારે કેદીઓને જેલમાંથી કોર્ટમાં મુદતે લઈ જવામાં આવે ત્યારે પોલીસને ચકમો આપીને કેદીઓ ભાગી જવાના બનાવો બનતા હોય છે. આવા કિસ્સામાં મોટાભાગે પાલીસની લાપરવાહી જ જોવા મળતી હોય છે. ભાગી ગયેલી કેદીઓને ફરીથી પકડવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે. ઘણા કેદીઓ પેરોલ પર છૂટ્યા બાદ પણ જેલમાં રજાપૂર્ણ થયે હાજર થતા નથી. આ ઉપરાંત ફર્લો કે વચગાળાના જામીન પર છૂટેલા કેદી પણ અચાનક ‘ગુમ’ થઈ જાય છે અને તેઓને ઝડપવા માટે પોલીસ ખાસ સ્કવોડ પણ રચે છે પણ ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કમ સે કમ 1250 કેદીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે. જો કે તેમાં મોટાભાગના કેદીઓને ફરીવાર પકડી લેવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની વિવિધ જેલોમાં કાચા કામના અને પાકા કામના કેદીઓ પોલીસના જાપતામાંથી નાસી જવાના બનાવો બનતા હોય છે. ખાસ કરીને આ પ્રકારના વધુ કેસ તો કાચા કામના કેદીને અદાલતમાં રજૂ કરતા સમયે કે પછી તબીબી સારવારમાં હોસ્પિટલમાં હોય તે સમયે તેઓ માટે નાસવાનું સરળ હોય છે. કારણ કે પોલીસનો જાપતો મર્યાદિત હોય છે. જોકે જેલમાંથી નાસી છૂટવું કે જેને જેલ બ્રેક કરી શકાય તે ગુજરાતમાં બહું ઓછુ બને છે. પરંતુ પોલીસના જાપતામાંથી નાસી જવાના વધુ બનાવો બને છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં જો કોઈ નામચીન કેદી ખૂબ જ સીફતપૂર્વક પોલીસની સહાયતાથી કે પછી પોલીસની આંખમાં ધૂળ નાખીને નાસવામાં સફળ રહ્યો હોય તો તે સૌથી ચર્ચાસ્પદ શરીફખાનનો હતો જે છેક પાકિસ્તાન પહોંચી ગયો હતો અને તેને નાસી છુટવામાં પોલીસની સહાયતા હતી તેવું જાહેર થયું હતું. તેને સાબરમતી જેલમાંથી અદાલતમાં રજૂ કરવા લઈ જવાનો હતો. આ કેદીએ પ્લાન મુજબ પોલીસના જાપતા દરમિયાન માર્ગમાં પાણી માગ્યું પછી ફોન કોલ કરવા દેવાયો પછી તે એક દુકાનમાં ઘુસી ગયો ત્યાર બાદ કદી દેખાયો નથી.

.