Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 175 અને કોંગ્રેસે 44 બેઠકો પર વિજ્યી મેળવ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાત ભાજપનો ગઢ હોવાનું મતદારોએ ફરીવાર સાબીત કરી દીધુ છે. રાજ્યમાં ગાંધીનગર મનપા, ત્રણ નગરપાલિકાની સામાન્ય અને જિલ્લા-તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 228 બેઠકો પર યોજાયેલી બેઠકમાંથી ભાજપ 175 બેઠકો પર કબજો મેળવવામાં સફળ રહી છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કુલ બેઠકોની 76 ટકા બેઠકો જીતવામા સફળ રહી છે. ગાંધીનગર મનપા, ઓખા નગરપાલિકા અને થરા નગરપાલિકા ભાજપે કબજે કર્યું છે જ્યારે ભાણવ઼ડ નગરપાલિકા કૉંગ્રેસે કબજે કરી છે.

ગુજરાતમાં ગાંધીનગર મ્યુનિ,કોર્પોરેશનની 44 બેઠક પર સામાન્ય ચૂંટણી, જ્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની  2 અને જૂનાગઢ મ્યુનિ.કોર્પોરેશનની 1 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. મ્યુનિ.કોર્પોરેશનની કુલ 47 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાંથી ભાજપ 43 બેઠકો કબજે કરવામાં સફળ રહી છે. જ્યારે કૉંગ્રેસના ફાળે ફક્ત 3 બેઠક અને આપના ફાળે ફક્ત 1 બેઠક આવી છે. ગુજરાતમાં ઓખા, થરા અને ભાણવ઼ડ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઓખા અને થરા નગરપાલિકામાં ભાજપની જ્યારે ભાણવડ નગરપાલિકામાં કૉંગ્રેસની જીત થઈ છે. ત્રણ નગરપાલિકાની 84 બેઠકોમાંથી ભાજપે 62 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસે 22 બેઠકો પર જીત મેળવી છે. બે નગરપાલિકાની સામાન્ય, એક નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી ઉપરાંત રાજ્યની અન્ય નગરપાલિકાઓમાં પણ પેટાચૂંટણી યોજાઈ હતી જેના પરિણામો આજે જાહેર થયા હતા. રાજ્યની અલગ અલગ નગરપાલિકાની ખાલી પડેલી 45 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે 37 બેઠકો કબજે કરી છે. જ્યારે કૉંગ્રેસના ફાળે ફક્ત 3 બેઠકો અને અન્યના ફાળે 5 બેઠકો આવી છે.

રાજ્યમાં 7 જિલ્લા પંચાયતની ખાલી પડેલી 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. આજે જાહેર થયેલા પરિણામમાંથી આઠમાંથી પાંચ બેઠક ભાજપે જીતી છે. જ્યારે ત્રણ બેઠકો કૉંગ્રેસના ફાળે ગઈ છે. ગુજરાતના 22 જિલ્લાઓમાં અલગ અલગ તાલુકા પંચાયતમાં ખાલી પડેલી 44 બેઠકો પર પેટાચૂંટણી યોજવામા આવી હતી. જેના પરિણામો આજે જાહેર થતા 28 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જ્યારે કૉંગ્રેસના ફાળે 13 અને અન્યના ફાળે 3 બેઠકો આવી છે.