Site icon Revoi.in

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું

Social Share

રાજકોટઃ  શહેર જિલ્લાની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રોડ-રસ્તા, ગટર, પાણી, ટોયલેટ, ફાયરસેફ્ટી અને ઇલેક્ટ્રિકના કામોમાં બેદરકારી અને વ્યાપક ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ સાથે કોંગ્રેસે ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરીને આ મુદ્દે તટસ્થ તપાસની માગણી કરી હતી. સોમવારે  શહેર કોંગ્રેસે પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ ખાતે વિરોધ સાથે રજુઆત કરી હતી. પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા દ્વારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતના કારણે દર્દીઓ હાલાકીનો સામનો કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે, અધિકારી દ્વારા ટેન્ડર પ્રક્રિયા ખોલી દેવામાં આવી છે અને સરકારમાં મંજૂરી માટે મોકલી છે. ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે તેવો દાવો કરવામાં આવ્યો હતો.

રાજકોટની સિવિલ હોસ્પિટલ માત્ર શહેર જિલ્લાના જ નહીં પણ સૌરાષ્ટ્રભરના દર્ધીઓ માટે આશીર્વાદ સમાન છે, રોજબરોજ અનેક દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. હોસ્પિટલના વિકાસના કામોમાં બેદરકારી અને વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં યોગ્ય મેન્ટેનન્સ ન થતું હોવાનો આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. સોમવારે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની ઉપસ્થિતિમાં આગેવાનો અને કાર્યકર્તા દ્વારા સિવિલ હોસ્પિટલની બિસ્માર હાલતના ફોટા સાથેના બેનરો હાથમાં લઈ પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ ખાતે વિરોધ સાથે રજુઆત કરવામાં આવી હતી. આ સમયે ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, તેમજ કમિશન પ્રથા બંધ કરોના સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પણ સિવિલ હોસ્પિટલમાં સુવિધાના નામે મીંડુ છે. આરોગ્યમંત્રી પણ રાજકોટ આવે ત્યારે હોસ્પિટલની મુલાકાત કરતા હોય છે. પરંતુ આમ છતાં તેમના ધ્યાને આ વાત આવતી નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર અને અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે મેન્ટેનન્સ યોગ્ય રીતે થતું નથી. સિમેન્ટ રોડ બનાવવાની વાત ઘણા સમયથી કરવામાં આવી રહી છે, પણ કામ થતું નથી. સેલરમાં પાણી ભરાઈ જાય છે, રસ્તા તૂટેલા છે. ટોયલેટ બાથરૂમમાં યોગ્ય સફાઈ થતી નથી. નવા બનેલા બિલ્ડિંગમાંથી પાણી લીકેજ થાય છે, આમ અનેક સમસ્યાના  ઉકેલ માટે જવાબદાર પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટના અધિકારીને રૂબરૂ આવી વિરોધ નોંધાવી તાત્કાલિક આ મેઇન્ટેનન્સ કામગીરી યોગ્ય રીતે કરવા રજુઆત કરી હતી.

બીજી તરફ આ અંગે પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટના અધિકારી બી.પી. પરમારે જણાવ્યું હતું કે, હાલમાં હોસ્પિટલમાં ડામર રોડ છે, તેની જગ્યાએ સિમેન્ટ રોડ માટેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે. આ ઉપરાંત તેમના પર કમિશન અને ભ્રષ્ટાચાર અંગે વિપક્ષે લગાવેલા આક્ષેપ પાયાવિહોણા હોવાનું જણાવ્યું હતું.