Site icon Revoi.in

રાજ્યમાં 224 લોકોના પતંગની દોરીથી ગળાં કપાયા, અમદાવાદમાં સૌથી વધુ 62 બનાવો

Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં આજે શુક્રવારે ઉત્તરાણનો તહેવાર ભારે આનંદોલ્લાસથી ઊજવાયો હતો. ગર વર્ષની જેમ આ વખતે પણ ઉત્તરાણમાં પતંગની દોરીથી 224 લોકોને ઈજાઓ થઈ હતી.જેમાં સૌથી વધુ અમદાવાદમાં 62 લોકોના પતંગની દોરીથી ગળા કપાયા હતા.

ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીના કારણે ગળામાં ઇજા અને અકસ્માતના બનાવો બનતાં હોય છે. રાજ્યમાં આજે સાંજ સુધીમાં પતંગની દોરીના કારણે ઇજાના 224 જેટલા બનાવો બન્યા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 62 લોકો દોરીથી ઈજાગ્રસ્ત થયા છે. જેમાં સિંગરવા નજીક એક યુવકનું દોરીથી ગળું કપાતા શારદાબેન હોસ્પિટલમાં ખસેડાયો હતો, ભાવનગરમાં પણ હેવમોર ચોક પાસે એક વૃદ્ધ દોરીથી ઈજાગ્રસ્ત થતા સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા. ઉપરાંત રાજકોટમાં પણ પતંગની દોરીથી ચાર લોકોને ઈજાઓ થઈ હતી.  જે તમામને ઇજા થતા 108માં સિવિલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આમ આજે રાજકોટ 25, વડોદરામાં 26 તથા સુરતમાં 24 લોકો દોરીથી ઘવાયા છે.

અમદાવાદમાં પતંગની દોરીથી ગળા કપાવવાના સૌથી વધુ 62 બનાવો બન્યા હતા.જેમાં શહેરા ચમનપુરા પાસે બાઇક લઈને જતા 32 વર્ષીય વ્યક્તિના ગળામાં દોરી આવતા ઈજાગ્રસ્ત થયા હતા. એરપોર્ટ રોડ તરફ ઈન્દિરાબ્રિજ પાસે પણ બાઇક લઈને જતાં 50 વર્ષીય વ્યક્તિના ગળામાં ઇજાગ્રસ્ત થયા છે. સુભાષબ્રિજ કેશવનગરમાં રસ્તા પર ચાલતા જતા 76 વર્ષીય મહિલાના ગળામાં દોરી આવી જતાં ઇજા થઇ હતી. અમદાવાદમાં જ 62 બનાવો સામે આવ્યાં છે.

તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર આપવામાં આવી હતી. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને બપોરે 3 વાગ્યા સુધીમાં 1924 જેટલા કોલ મળ્યા છે. જ્યારે ગત વર્ષે 108ને 1635 ઈમરજન્સી કોલ મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ ફાયર બ્રિગેડને પક્ષી બચાવ કોલના સવારે 6 થી 10 વાગ્યા સુધીના માત્ર બે કોલ મળ્યા છે. જેના પરથી કહી શકાય કે સવારથી ઓછી પતંગ ઉડવાના કારણે પક્ષીઓના ઇજા થવાના બનાવો ઓછા જોવા મળ્યા છે.