Site icon Revoi.in

રાજકોટમાં સ્વિમિંગ સ્પર્ધામાં રવિવારથી 26 રાજ્યોની ટીમો વચ્ચે જામશે રસાકસીભર્યો જંગ

Social Share

રાજકોટઃ રાષ્ટ્રીય રમતોત્સવ યા ને નેશનલ ગેઈમ્સનું અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યા બાદ રાજ્યના તમામ મહાનગરોમાં નેશનલ ગેઈમ્સનો પ્રારંભ થયો છે. ખેલેગા ઈન્ડિયા, જુડેગા ઈન્ડિયા’ની થીમ સાથે શરૂ થયેલા રાષ્ટ્રીય ખેલથી ચોમેર માહોલ રમતમય બની રહ્યો છે, ત્યારે રાજકોટમાં બીજી ઑક્ટોબરથી સ્વિમિંગની રાષ્ટ્રીય સ્પર્ધાઓ શરૂ થશે. જેમાં 26 રાજ્યોના તરવૈયાઓ વચ્ચે ‘ગોલ્ડ મેડલ’ માટે રસાકસી જામશે. આ સ્પર્ધાઓ માટે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય તરવૈયાઓનું રાજકોટમાં આગમન થઈ ચૂક્યું છે અને તેઓએ સરદાર પટેલ સ્વિમિંગ પુલ તથા રેસકોર્સના સ્વિમિંગ પુલમાં પ્રેક્ટિસ કરી હતી.

આ અંગે સ્વિમિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના ઉપપ્રમુખ કમલેશ નાણાવટીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ખેલમાં સ્વિમિંગની ઈવેન્ટસનો પ્રારંભ બીજી ઑક્ટોબરને રવિવારે સવારે 8:30 વાગ્યાથી સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતેથી થશે. આ સ્પર્ધાઓમાં કુલ 26 રાજ્યોની ટીમોના કુલ મળીને 650 જેટલા ખેલાડીઓએ ભાગ લેશે.  ગુજરાતમાંથી કુલ મળીને 18 જેટલા ખેલાડીઓએ સ્વિમિંગમાં તથા 13 ખેલાડીઓએ વોટરપોલોમાં ભાગ લેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  સ્વિમિંગની વિવિધ ઈવેન્ટસ રોજ સવારે 8:30 વાગ્યાથી શરૂ થશે. જ્યારે ડાઇવિંગની ઈવેન્ટ સવારે 10:30 યોજાશે, તથા વોટર પોલોની ઇવેન્ટ સવારે 11 કલાકથી યોજાશે. સાંજે પાંચ વાગ્યે ફાઈનલ સ્પર્ધા થશે. સ્વિમિંગમાં પુરુષ અને મહિલા ખેલાડીઓની અલગ-અલગ 21-21 ઈવેન્ટ થશે.રાષ્ટ્રીય ખેલ માટેના ખેલાડીઓ રાજકોટ આવી ચૂક્યા છે અને તેમની પ્રેક્ટિસ પણ શરૂ થઈ ગઈ છે. આ ખેલમાં ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂકેલા સજન પ્રકાશ, હરિ નટરાજ, માના પટેલ તેમજ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ચૂકેલા આર્યન નહેરા સાથે રિદ્ધિમા, વેદાંત માધવન તેમજ એશિયાઈ તથા રાષ્ટ્રીય સ્તરે વિવિધ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરનારા દેવાંશ પરમાર, આર્યન પંચાલ, અંશુલ કોઠારી, કલ્યાણી સક્સેના સહિતના ખેલાડીઓ ભાગ લેશે.(file photo)

Exit mobile version