Site icon Revoi.in

વડોદરામાં કાર માલિક પાસેથી વૈભવી કાર ભાડે લઈને ગીરવે મૂકવાનું કૌભાંડ પકડાયું

Social Share

વડોદરાઃ ગેરકાયદે રીત રસમો અજમાવીને કેટલાક લોકો પૈસા મેળવવા તરકીબો અજમાવતા હોય છે. વડોદરા  પોલીસે  એક ભેજાબાજને અજીબો ગરીબ કૌભાંડ કરતા ઝડપ્યો છે. કાર ભાડે લઈ મૂળ માલિકને નજીવી રકમ આપી કાર અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકી તેની પાસેથી મોટી રકમ પડાવી લઇ કારના મૂળ માલિક સાથે ઠગાઈનું કૌભાંડ પાણીગેટ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. આ કૌભાંડમાં સામેલ એક આરોપીને ઝડપી પાડી  પાંચ કાર  કબ્જે કરી છે અને અન્ય ફરાર આરોપીઓ ની શોધખોળ પોલીસે શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના  વાઘોડિયા રોડ પર રહેતા આરોપી દિવ્યરાજ ચૌહાણને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. પૂછપરછ દરમિયાન તેણે જે 5 કાર ગીરવે મૂકી હોવાનું કબુલ્યુ હતુ. પોલીસે આ પાંચેય કાર કબ્જે કરી વધુ કાર કબ્જે કરવાની કવાયત શરૂ કરી છે. ટોળકીના મુખ્ય બે સૂત્રધારો પૈકીનો એક આ દિવ્યરાજ ચૌહાણ છે અને તેના દ્વારા વડોદરાના અનેક કાર માલિકો ને ગેર માર્ગે દોરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના પુરાવા પણ સામે આવી રહ્યા છે.

શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીઓ કાર માલિક પાસેથી કાર ભાડે રાખી અગાઉથી જ નક્કી કરી રાખેલા વ્યક્તિને રૂપિયા 2થી 5 લાખ રકમ લઈ કાર ગીરવે આપતા હતા અને મૂળ કાર માલિકને માત્ર બે માસ સુધીનું ભાડું આપતા અને પછી સંપર્ક તોડી નાંખતા હતા. આવી રીતે વડોદરા ઉપરાંત અમદાવાદ, ભરૂચ સહિત અન્ય શહેરોના સંખ્યાબંધ કાર માલિકોને આ ટોળકીએ શિકાર બનાવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. પાણીગેટ પોલીસે અત્યાર સુધી આ કૌભાંડમાં બે આરોપીને ઝડપી પાડ્યા છે. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે અને અત્યાર સુધી કેટલા કાર માલિકોને ચુનો ચોપડ્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ભોગ બનનારનો આંકડો મોટો આવે તેવી શકયતા છે

Exit mobile version