Site icon Revoi.in

વડોદરામાં ઢોર પકડ પાર્ટીના વાહનો પર લાખોના ખર્ચે લગાવેલા કેમેરા શોભાના ગાંઠિયા બની ગયા

Social Share

વડોદરાઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન ઘણીવાર પ્રજાના ટેક્સના નાણામાંથી અવિચારી ખર્ચા કરવામાં કોઈ કસર છોડતી નથી. શહેરમાં ઢોર પકડ પાર્ટી પર થતાં અવાર નવાર હુમલાથી કર્મચારીઓને બચાવવા માટે મ્યુનિ. દ્વારા ઢોર પકડ પાર્ટીના વાહનો પર રૂપિયા 17 લાખના ખર્ચે કેમેરા  લગાવવામાં આવ્યા હતા. પરંતુ કહેવાય છે. કે, કેમેરા એક પણ વખત ચાલુ થયા નથી. અને વાહનો પર લગાવેલા કેમેરા રમકડાં બની ગયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા  મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ઢોર પકડ પાર્ટીના વાહનો પર લગાવેલા કેમેરા માત્ર શોભાના ગાંઠિયા બની ગયા છે. શહેરમાં ઢોરનો ત્રાસ વધતાં ઢોર પકડ પાર્ટીને સક્રિય કરવામાં આવી હતી. અવાર નવાર ઢોર પાર્ટી પર હુમલાની ઘટનાઓ વધતાં કોર્પોરેશને ઢોર પકડ પાર્ટીના વાહનો પર કેમેરા લગાવ્યા છે. રૂપિયા 17 લાખનો ખર્ચ કરીને તમામ વાહનોને કેમેરાથી સજ્જ તો કરાયા પરંતુ ઢોર પકડ પાર્ટીના એક પણ કર્મચારીને  કેમેરા ચલાવતા જ નથી આવડતા. ત્યારે કેમેરા સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે કે, ઢોર પાર્ટીના ટ્રેક્ટર સહિતના વાહનો પર કેમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી કેમેરો ચાલુ જ કરવામાં આવ્યો નથી. કારણ કે કર્મચારીઓને કેમેરા  ચલાવતા જ નથી આવડતા, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પણ કોઈ કર્મચારીને કેમેરા ચલાવવાની ટ્રેનિંગ  આપી નથી. જેના કારણે હાલ આ તમામ કેમેરા શોભાના ગાંઠિયા સમાન જ બની રહ્યા છે.

આ અંગે મ્યુનિ.ના ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓના કહેવા મુજબ વાહનો પર લગાવેલા કેમેરા ચાલુ હોવા જોઈએ. જો તે ચાલુ હોય તો અમને ઘણી મદદ મળે. વડોદરા કોર્પોરેશને કેમેરા લગાવવાનો નિર્ણય તો ખુબ સારો કર્યો હતો. કોઈ પણ નિર્ણય કરવો તે સારી વસ્તું છે, પરંતુ તે નિર્ણયને જમીન પર ઉતારવો સૌથી મોટી વાત હોય છે. અહીં કોર્પોરેશને દેખાડો કરવા માટે કેમેરા તો લગાવી દીધા. પરંતુ તેને ચલાવવાની રીત કર્મચારીઓને ન શીખવાડી જેના કારણે કેમેરા ચાલુ કેમ કરાય તે ખબર નથી. (File photo)