Site icon Revoi.in

વડોદરામાં નવ જેટલી મ્યુનિ. શાળાઓ જર્જરિત, અનેક શાળાઓમાં શિક્ષકોની પણ ઘટ

Social Share

વડોદરા:  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના શિક્ષણ સમિતિ હસ્તકની 120 જેટલી શાળાઓ છે, જેમાં નવ જેટલી શાળાઓના મકાનો ખૂબજ જર્જરિત બની ગયા છે. મ્યુનિ.કોર્પોરેશનના શાસકોએ જર્જરિત બનેલી શાળાઓ નવી બનાવવાને બદલે નવ શાળાઓના બાળકોને બીજી શાળાઓમાં મર્જ કરી દેવાયા છે. સ્માર્ટ સિટીના શાસકો શિક્ષણ સમિતિની સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ બનાવી વાહ વાહી મેળવી રહ્યા છે, પરંતુ શિક્ષણ સમિતિની સ્કૂલની વાસ્તવિકતા કંઇક અલગ જ છે. શિક્ષણ સમિતિની સ્કૂલ બોર્ડનું કરોડો રૂપિયાનું બજેટ મંજૂર થતું હોવા છતાં સ્કૂલોની હાલત દયનીય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિ. કોર્પોરેશન સંચાલીત શિક્ષણ સમિતિની 120 સ્કૂલો છે. જેમાં ધોરણ 1 થી 8 માં 34400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે 972 જેટલા શિક્ષકો કાયમી છે, જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. જ્યારે 180 જેટલા શિક્ષકોની ઘટ છે, જે ઘટ પ્રવાસી અને ઉચ્ચક પગાર પર રાખેલા શિક્ષકો પૂરી કરે છે. મહત્વની વાત છે કે શિક્ષણ સમિતિના શાસકો અધિકારીઓએ વારંવાર શિક્ષકોની ઘટ પૂરવા મ્યુનિ.કોર્પોરેશન અને સરકારમાં રજૂઆત કરી છતાં આજદિવસ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.એટલું જ નહીં શિક્ષણ સમિતિની 120 સ્કૂલોમાંથી 9 સ્કૂલો જર્જરિત છે, જેથી સ્કૂલો ખાલી કરાવી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નજીકની શાળામાં મર્જ કરી દેવાયા છે. પરંતુ જર્જરિત સકૂલો ઉતારી નવી સ્કૂલો બનાવવામાં આવી રહી નથી. મહત્વની વાત છે કે, ચાલુ વર્ષે શિક્ષણ સમિતિની સ્કૂલ બોર્ડનું 180 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. ગત વર્ષે 4 કરોડની ગ્રાન્ટ લેપ્સ થઈ છે, છતાં જર્જરિત સ્કૂલ ઉતારી નવી સ્કૂલ બનાવવા એ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી.

શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય અને કોંગ્રેસ નેતા નરેન્દ્ર જયસ્વાલે જણાવ્યું હતું કે, વડોદરામાં મ્યુનિ.શાળાઓમાં સ્માર્ટ ક્લાસના બદલે શાળાના શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવી જોઈએ. શિક્ષકો જ નહીં હોય તો શાળાઓમાં બાળકો ભણશે કેવી રીતે તે મોટા પ્રશ્ન છે. (file photo)