Site icon Revoi.in

અખિલ ભારતીય પોલીસ બેન્ડ કોમ્પિટેશનનો પ્રારંભ, વિવિધ રાજ્યોના 1200થી વધુ સ્પર્ધકો જોડાયા

Social Share

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ 24માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનનો શુભારંભ કરાવ્યો છે. આ સ્પર્ધાનું ચાર દિવસ એટલે કે તા. 4 થી 8મી ડિસેમ્બર દરમિયાન આયોજન કરાયું છે.  જેમાં દેશના અલગ-અલગ રાજ્યના પોલીસ વિભાગ તેમજ પેરામીલીટરીની બેન્ડ ટીમો મળી આશરે 1200થી વધુ સ્પર્ધકો સહભાગી થયા છે.

ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ ગાંધીનગરના કરાઈ ખાતે અખિલ ભારતીય પોલિસ બેન્ડ પ્રતિયોગિતાનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે, આ પ્રતિયોગિતાનું આયોજન ગુજરાતમાં થયું તે આપણા માટે સૌભાગ્યની વાત છે. આ પ્રતિયોગિતામાં વિભિન્ન રાજ્યોમાંથી 19 ટીમ ભાગ લઈ રહી છે. આ તમામ બેન્ડની ધૂન ભલે અલગ છે પરંતુ તેમનો સુર અને ધ્યેય એક જ છે તે છે, દેશભક્તિનો. સૌ બહાદુર જવાનો રાત દિવસ ખડેપગે દેશની રક્ષા કરી રહ્યા છે જેના થકી આપણો દેશ અને દેશના નાગરિકો સુરક્ષિત છે.

24 ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનમાં દેશના અલગ-અલગ 15 રાજ્યના પોલીસ વિભાગની બેન્ડ ટીમો ઉપરાંત પેરા-મીલીટરીની બેન્ડ ટીમો સહભાગી થઇ છે. આ સ્પર્ધામાં મુખ્યત્વે બ્રાસ બેન્ડ, પાઇપ બેન્ડ અને બ્યુગલ બેન્ડ એમ કુલ ત્રણ કેટેગરીમાં વિવિધ ટીમો સહભાગી થઈ છે. જે પૈકી બ્રાસ બેન્ડ કેટેગરીમાં પુરૂષોની 17 ટીમ અને મહિલાની 01 ટીમ, પાઇપ બેન્ડ કેટેગરીમાં પુરુષોની 13 ટીમ અને મહિલાઓની 06 ટીમ તથા બ્યુગલ કેટેગરીમાં પુરુષોની 19 ટીમો આ સ્પર્ધામાં ભાગ લઇ રહી છે. ચાર દિવસ સુધી ચાલનાર આ સ્પર્ધામાં કુલ 1200 થી વધુ સ્પર્ધકો સહભાગી થયા છે. આ સ્પર્ધા દરમિયાન ત્રણેય કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ વિજેતા ટીમોના સ્પર્ધકોને પણ ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.  રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયે સૌ સ્પર્ધક ટીમો ઉપરાંત ઉપસ્થિત ઉચ્ચ અધિકારી સહિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

 

Exit mobile version