Site icon Revoi.in

ભાવનગર યાર્ડમાં ડુંગળીની સવા લાખ ગુણીની આવક, પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં નારાજગી

Social Share

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે ડુંગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. બીજીબાજુ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. ભાવનગરના માર્કેટયાર્ડમાં ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે. શનિવારે એક જ દિવસમાં ડુંગળીની સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1.25 લાખથી વધુ ગુણીની આવક થઈ હતી.

સૌરાષ્ટ્રભરમાં આ વર્ષે સારા વરસાદને પરિણામે ડુંગળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થયું છે, જેમાં ભાવનગર જિલ્લામાં પણ સારૂએવું ઉત્પાદન થયું હોવાથી છેલ્લા એકાદ માસથી તમામ તાલુકાઓનાં માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ભરપુર આવક થઈ રહી છે. ભાવનગર માર્કેટીંગ યાર્ડ દ્વારા ડુંગળી માટે નારી ચોકડી ખાતે માલ રાખવાની તથા હરરાજીની વ્યવસ્થા કરવામાં આવી છે. ગત રાત્રીએ એક દિવસમાં 1.25 લાખ બોરીની આવક થઈ હતી જેના કારણે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાયું હતું. જેમાં રૂા.150થી લઈ 360 સુધી એક મણનાં ભાવ લેખે ખેડુતોને મળ્યા હતા.

નોંધનીય છે કે, નિકાસબંધી બાદ ડુંગળીના ભાવમાં ઘટાડો થવાના કારણે ડુંગળી પકવતા ખેડૂતોમાં નારાજગી ફેલાયેલી છે. તેની વચ્ચે હાલ ખેડૂતો પોતાની ડુંગળીનો પાક લઈ માર્કેટીંગ યાર્ડમાં પહોંચી રહ્યા છે. ડુંગળીનો ભાવ તળિયે બેસી જતા ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. બે દિવસ પહેલા ખેડૂતો દ્વારા યાર્ડમાં હરાજી બંધ કરાવીને ખેડૂતોનો હલ્લાબોલ સાથે માર્કેટિંગ યાર્ડનો ગેટ બંધ કરીને સૂત્રોચાર કર્યા હતા. ખેડૂતોએ ડુંગળીના ભાવ તળિયે બેસી જતા હરાજી પણ બંધ કરાવી હતી, ખેડૂતોને ડુંગળી રડાવી રહી છે તેનું કારણ એ છે કે હાલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને હરાજી દરમિયાન એક કિલો એ માત્ર સાત રૂપિયા જેવો કિંમત મળી રહી છે, પડતર કિંમત કરતા પણ નીચા ભાવે ખેડૂતોની ડુંગળી વેચાઈ રહી છે.