Site icon Revoi.in

રાજકોટ યાર્ડમાં એક જ દિવસમાં પોણા બે લાખ મણ ઘઉં અને એક લાખ મણ ચણાની આવક,

Social Share

રાજકોટઃ શહેરનાં બેડી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, ચણા સહિતના રવિપાકની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા પૂર્ણ થયા બાદ 1લી એપ્રિલથી  વિવિધ જણસીઓની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે પણ બેડી યાર્ડ વિવિધ કૃષિ જણસીઓથી ઉભરાયું હતું અને ઘઉં તેમજ ચણાની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. યાર્ડમાં શુક્રવારે માત્ર ઘઉંની જ પોણા બે લાખ મણ (35000 ક્વીંટલ)ની આવક થઇ હતી. જ્યારે ચણાની એક લાખ મણની આવક નોંધાઈ હતી.  ગુરૂવાર રાતથી જ ખેડૂતો વાહનો લઈને આવી જતા યાર્ડ બહાર  9 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી.

રાજકોટના બેડી યાર્ડમાં કૃષિ ઉપજની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડમાં માલ ઉતારવા માટે જગ્યા ટુંકી પડી રહી છે. માત્ર રાજકોટ જિલ્લામાંથી જ નહીં પણ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડુતો કૃષિ ઉપજ વેચવા માટે આવી રહ્યા છે. શુક્રવારે યાર્ડમાં ઘઉં અને ચણાની રેકર્ડબ્રેક આવક થઈ હતી. હરાજીમાં ઘઉં લોકવન રૂ. 474થી 538 તથા ઘઉં ટુકડા રૂ.502થી 580ના ભાવે વેચાયા હતાં. આ ઉપરાંત ચણાની પણ મોટી આવક થતા એક લાખ મણ ચણા ઠલવાયા હતા. જેમાં સફેદ ચણામાં રૂ.1600થી 2250ના ભાવે હરાજી થઇ હતી. જંગી આવક થતી હોવાને કારણે ચણા પીળા તથા ચણા સફેદની વારાફરતી એકાંતરે હરાજી કરવામાં આવી રહી છે. વિવિધ જણસીઓની ભરપૂર આવક હોવાથી માલ ભરેલા વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

રાજકોટના બેડી યાર્ડમાં શુક્રવારે ઘઉં, ચણા ઉપરાંત  2400 ક્વિન્ટલ મગફળીની આવક હતી. જેમાં ​​​​​​​જીણીના ભાવ રૂ. 1095થી 1245 તથા જાડીના રૂ. 1110થી 1350 હતા. તેમજ એરંડામાં 900 ક્વિન્ટલની આવક થઈ હતી અને ભાવ રૂ.1050થી 1138 હતા. જ્યારે લસણમાં 1350 ક્વિન્ટલની આવકે ભાવ રૂ. 1150થી 2800, ધાણામાં 1550 ક્વિન્ટલની આવકે ભાવ રૂ.1340થી 1911, ધાણીમાં 1000 ક્વિન્ટલની આવકે ભાવ રૂ. 1560થી 2390, જીરૂમાં 1300 ક્વિન્ટલથી આવકે ભાવ રૂ. 3925થી 4060, મેથીમાં 3500 ક્વિન્ટલની આવકે ભાવ રૂ. 980થી 1350ના પડ્યા હતાં.