Site icon Revoi.in

બેંગલુરુમાં આવકવેરા વિભાગના દરોડા, કોન્ટ્રાક્ટરના ઘરેથી કરોડોની રોકડ રકમ જપ્ત

Social Share

બેંગલુરુઃ- ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્રારા અનેક જગ્યાએ દરોડા પાડવાની ઘટનાઓ છેલ્લા ઘણા મહિનાઓથી શરુ છે ત્યારે ગુરુવારની રાત્રે કર્ણાટકના બેંગલુરુમાં  બે કોન્ટ્રાક્ટરોના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આવકવેરા વિભાગે શંકાસ્પદ કરચોરીને લઈને બેંગલુરુમાં બે નાગરિક કોન્ટ્રાક્ટરોના 25 સ્થાનો પર દરોડા અને સર્ચ હાથ ધર્યા હતા. બેંગલુરુમાં ગુરુવારે મધ્યરાત્રિએ આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં, એક ફ્લેટમાંથી કરોડોની રોકડ જપ્ત કરવામાં આવી હતી.

આવકવેરા વિભાગના અધિકારીઓને બેંગલુરુમાં એક ફ્લેટમાં પલંગની નીચે કરોડોની રોકડ મળી, સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું. IT અધિકારીઓ આ કેસના સંબંધમાં ભૂતપૂર્વ મહિલા કાઉન્સિલર અને તેના પતિની પૂછપરછ કરી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પાંચ રાજ્યો, ખાસ કરીને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે ભંડોળ પૂરું પાડવા માટે બેંગલુરુમાં સોનાના ઝવેરાત વેચનારાઓ અને અન્ય સ્ત્રોતો પાસેથી મોટી રકમ એકત્ર કરવામાં આવી રહી છે. આ સંદર્ભે માહિતી મળતાં આઇટી વિભાગ દ્વારા શહેરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આરટી નગર નજીક આત્માનંદ કોલોની સ્થિત ફ્લેટમાં ગુરુવારે મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડા દરમિયાન 42 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી.  પલંગની નીચે 23 બોક્સમાં 42 કરોડ રૂપિયાની 500ની નોટો રાખવામાં આવી હતી.

 મળતી માહિતી પ્રમાણે કાઉન્સિલરના પતિ કોન્ટ્રાક્ટર છે અને કોન્ટ્રાક્ટર્સ યુનિયનનો ભાગ છે, જેણે અગાઉની ભાજપ સરકાર પર પ્રોજેક્ટ્સ પર 40 ટકા કમિશન વસૂલવાનો આરોપ મૂક્યો હતો. કોન્ટ્રાક્ટરે અનેક રાજકારણીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા.