Site icon Revoi.in

રાજકોટ સિવિલની સુવિધામાં વધારો,બ્લડ બેંકમાં ક્રાયોફ્યુજ મશીનનું લોકાર્પણ

Social Share

રાજકોટ :રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ખાતે સાંસદ રામભાઈ મોકરિયા અને  ધારાસભ્ય ડો. દર્શિતાબેનની ઉપસ્થિતિમાં જર્મન બનાવટનું અત્યાધુનિક ક્રાયોફ્યુજ સેન્ટ્રીફયુઝ મશીન લોકાર્પિત કરવામાં આવ્યું  હતું.

આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરિયાએ દાતા  હાય-કોન ટેક્નોકાસ્ટ પ્રાઇવેટ લિમિટેડના કિરણભાઈ વાછાણીનો આભાર માની જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ ખાતે અત્યાધુનિક મશીન આવતા જરૂરિયાતમંદ દર્દીઓની સુવિધામાં વધારો થશે. સિવિલ હોસ્પિટલ ખાતે વધુને વધુ ઉત્કૃષ્ઠ સારવાર મળી રહે તે માટે સરકારની પ્રતિબુદ્ધતા તેઓએ આ  તકે  દર્શાવી  હતી.

ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે અત્યાધુનિક મશીન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ક્રાયોફ્યુજ સેન્ટ્રીફ્યુજ મશીન એક સાથે ૧૬ બોટલ રક્તને અલગ અલગ ત્રણ ઘટકોમાં વિભાજીત કરી શકે છે. જે થેલેસેમિયા, હિમોફિલિયા, ડેન્ગ્યુ, ન્યુરો, પ્રસૂતા મહિલાઓ સહિતના દર્દીઓને ખુબ જ મદદરૂપ બનશે. મશીન ઇકો ફ્રેન્ડલી છે, તેમજ મેનપાવરની પણ બચત થશે.

જર્મન બનાવટનું થર્મો ફિશર સાઇન્ટિફિક કંપનીનું મશીન ઓટોમેટેડ છે, સિંગલ ફેજ  આધારિત ઓછી વીજ ખપત સાથે ૩૦% જેટલું વધુ કમ્પોનન્ટ ઉત્પાદન કરી શકતું હોઈ અત્યાધુનિક  હોસ્પિટલ્સ તેમજ લેબમાં ઉપયોગમાં  લેવામાં  આવે છે.

રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ખાતેથી મહિને ૨૨૦૦ જેટલી બોટલ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને પૂરી  પાડવામાં આવે છે ત્યારે આ મશીનના ઉપયોગથી વધુ કાર્યક્ષમતા સાથે રક્તની જરૂરિયાતને પહોંચી શકાશે.

કાર્યક્રમના પ્રારંભે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત તેમજ રીબીન કાપી મશીન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, સિવિલ અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદી, પેથોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડો. ગૌરવી ધ્રુવા, બ્લડ બેન્કના ડો. પાયલ, ડો. દીપા, ડો. અમલાણી, શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણી, બ્લડ બેન્કનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો  હતો .