Site icon Revoi.in

AMC દ્વારા કૂતરાની વસતી ઘટાડવા માટે ખસીકરણ પાછળ કરોડનો ખર્ચ છતાં વસતીમાં વધારો

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કૂતરાની વસતી ઘટાડવા માટે ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાયે કૂતરાની વસતી વધતા જાય છે. શહેરના તમામ વિસ્તારોમાં કૂતરાનો ત્રાસ જોવા મળી રહ્યો છે. અને કૂતરા કરડવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.

શહેરમાં રખડતા કૂતરાના કારણે લોકોને કરડવાથી લઈને અકસ્માતના બનાવો બની રહ્યા છે. એએમસી દ્વારા શહેરમાં કૂતરાઓનો ત્રાસ ઘટાડવા માટે 3 વર્ષમાં રૂ. 9.19 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.  શહેરમાં અંદાજે 2.25 લાખ જેટલા કુતરાઓ છે. જેના ખસીકરણ પાછળ દર વર્ષે ખર્ચો કરવામાં આવતો હોવા છતાં પણ નાગરિકોને રખડતા કૂતરાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં એક એનજીઓને  કુતરા ખસીકરણની કામગીરી સોંપવામાં આવી છે. કૂતરાને પકડવા, રસીકરણ- ખસીકરણ કરવા, સેન્ટરમાં રાખીને જે સ્થળેથી પકડવામાં આવ્યા હોય તે સ્થળે કૂતરાને છોડવા સુધીની કામગીરી માટે કૂતરા દીઠ રૂ. 976.50 ખર્ચ થાય છે. કૂતરાના ખસીકરણ અને કૂતરા કરડનારને અપાતી એન્ટિ રેબિક્સ વેક્સિન (ARV) પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં શહેરમાં કૂતરાનો ત્રાસ યથાવત રહ્યો છે.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2018-19થી 2023-24 સુધીના 6 વર્ષના સમયગાળામાં કૂતરા કરડવાની કુલ 41060 ફરિયાદો મળી હતી. જેમાં 2021-22થી 2023-24 સુધીના સમયગાળામાં કૂતરાની કુલ 20,579 ફરિયાદો મળી હતી. જ્યારે AMC દ્વારા વર્ષ 2022-23માં કૂતરા પાછળ રૂ. 4.43 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે 2023-24માં અત્યાર સુધીમાં રૂ. 2.71 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.
​​​​

મ્યુનિ.ના વિપક્ષના નેતાના જણાવ્યા મુજબ શહેરમાં કૂતરાના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાયે કૂતરાની વસતીમાં ઘટાડો જોવા મળતો નથી. તેમજ રખડતા કૂતરા પકડવા માટે ગાડીઓ આવતી નથી. આમ, ખરેખર રખડતા કૂતરાને પકડી અને તેની પાછળ ખસીકરણ કરવામાં આવે છે કે, કેમ? તેના સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. જે ચાર એજન્સીઓને કૂતરા પકડીને ખસીકરણ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તે કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય કાર્યવાહી થાય છે કે, કેમ તેની પણ તપાસ કરવામાં આવતી નથી.