Site icon Revoi.in

મોંઘવારી બની બેકાબુ, જીરૂ બાદ વરિયાળી, તલ અને મરચા સહિત ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં રોજબરોજ મોંઘવારી વધતી જાય છે. જેમાં ખાદ્ય ચિજ-વસ્તુઓના ભાવ બેકાબુ બનતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કફોડી હાલત જોવા મળી રહી છે. તાજેતરમાં ખાદ્યતેલના ભાવમાં વધારા બાદ જીરૂ, વરિયાળી, તલ, અને મરચાના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. ઉપરાંત કઠોળના ભાવ પણ વધી રહ્યા છે. જો કે ખેડુતોને કેટલીક ખેત ઉપજના સારા ભાવ મળી રહ્યા છે.

ગુજરાતના ઊંઝા, ગોંડલ સહિતના માર્કેટ યાર્ડ્સમાં  છેલ્લા કેટલાક સમયથી જીરુંના ભાવ ઊંચકાયા છે. ત્યારબાદ હવે તલ, મરચાં અને વરિયાળીના ભાવ ઊંચકાયા છે. કોરિયાનું ટેન્ડર ખૂલતા તલના ભાવમાં તેજી આવી છે. આ તેજી હજુ બે મહિના સુધી જળવાઈ તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.  તલના ભાવે છેલ્લા એક સપ્તાહથી રૂ.3 હજારની સપાટી કુદાવી છે. કોરિયાનું ટેન્ડર ખૂલતા હવે એક્સપોર્ટમાં ડિમાન્ડ વધશે તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે. વેપારીઓના જણાવ્યાનુસાર સાઉથ કોરિયાએ 15 હજાર મેટ્રિક ટન તલની ખરીદી માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યું છે. ગત ડિસેમ્બરમાં પણ તલના ભાવ ઊંચકાયા હતા. જેને કારણે ખેડૂતોએ આ વખતે વધારે વાવેતર કર્યું હતું. હાલ માર્કેટ યાર્ડમાં સફેદ તલનો ભાવ રૂ.2600થી 3130 છે. જ્યારે કાળા તલનો ભાવ પ્રતિ 20 કિલોના રૂ.2531 થી 2830 સુધી રહ્યો છે. સાઉથ કોરિયામાં વાનગી, મીઠાઈ તેમજ મુખવાસમાં તલનો વપરાશ વધારે થાય છે. એવું વેપારીઓનું કહેવું છે. ગત વર્ષની તુલનાએ આ વખતે મરચાં અને વરિયાળીના ભાવમાં પણ વધારો થયો છે. વરિયાળી ઓલ ટાઈમ હાઇ રહેતા 250 ક્વિન્ટલની આવક થઇ હતી અને એક મણનો ભાવ રૂ.2850થી 4012 સુધીનો રહ્યો હતો. આમ ખેડુતોને એકંદરે સારા ભાવ મળી રહ્યા છે. પણ માલ ગ્રાહકોના હાથમાં પહોંચતા ભાવમાં અનેક ગણો વધારો થઈ જતો હોય છે,

રાજ્યમાં હાલ અથાણાની સીઝન ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં તો દરેક ઘરે અથાણું બનાવાતું હોય છે. ઉપરાંત ગૃહિણીઓ હળદર, મરચુ, ધાણાજીરૂ, સહિત મસાલા બારેમાસના ભરી લેતા હોય છે. એટલે સીઝન ટાણે જ દરેક મસાલાના ભાવમાં વધારો થયો છે. માર્કેટમાં  ગત વર્ષે મરચાંનો ભાવ રૂ.1 હજારથી લઇને રૂ. 3 હજાર સુધીનો હતો. જેનો ભાવ આ વર્ષે 1500થી લઈને રૂ.4500ની સપાટી કુદાવી છે. આમ, સિઝનમાં મોંઘા ભાવના તલ, મરચાં, જીરું અને વરિયાળી લોકોને ખરીદવા પડે છે. જોકે મગફળીની આવક વચ્ચે સિંગતેલમાં તેજી છે. સતત તેજી રહેવાને કારણે આ સપ્તાહે સિંગતેલના ડબ્બાએ રૂ. 2900ની સપાટી કુદાવી છે.