Site icon Revoi.in

ગુજરાતમાં રીંછની સંખ્યામાં વધારો, સંખ્યા વધી 358 પર પહોંચી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગીરના જંગલમાં જ માત્ર એશિયનટીક લાયન જોવા મળી છે. રાજ્યમાં હાલ 600થી વધારે સિંહની સંખ્યા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત દીપકાની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એટલું જ નહીં રાજ્યના આઠેક જિલ્લામાં રીંછ પણ જોવા મળે છે. રાજ્ય રીંછની સંખ્યામાં વધારો થયો છે અને રીંછની સંખ્યામાં 358 જેટલી હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં સૌથી વધારે રીંછ બનાસકાંઠામાં છે. અહીં 146 જેટલા રીંછ વસવાટ કરે છે.

વન વિભાગ દ્વારા યોજાયેલી રાજ્યવ્યાપી રીંછ વસ્તી ગણતરી-2022 મુજબ ગુજરાતના સાત જિલ્લાઓમાં વર્ષ-2022ની સ્થિતિએ અંદાજે 358 રીંછની વસ્તી નોંધાઇ છે. રાજ્યમાં દર પાંચ વર્ષે રીંછની વસ્તી ગણતરી કરવામાં આવે છે જેના ભાગરૂપે મે-2016માં છેલ્લી ગણતરી કરવામાં આવી હતી. અગાઉની વસ્તી ગણતરી કરતા રીંછની વસ્તીમાં સરેરાશ પાંચ ટકા જેટલો વધારો થયો છે તેમ,અગ્ર મુખ્ય વન સંરક્ષક, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાં વર્ષ-2022માં યોજાયેલી રીંછની વસ્તી ગણતરીમાં રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 146 રીંછની સંખ્યા નોંધાઇ છે. જ્યારે દાહોદ જિલ્લામાં 101, છોટાઉદેપુરમાં 61, સાબરકાંઠામાં 30, મહેસાણામાં09, પંચમહાલમાં 06 અને નર્મદા જિલ્લામાં 05 એમ કુલ 358 રીંછની વસ્તી નોંધાઇ છે.

ગુજરાત વિવિધ વન્ય પ્રાણીઓથી સમૃદ્ધ રાજ્ય છે. વન્ય પ્રાણી વસ્તીમાં વધારો કે ઘટાડો થાય છે તે અંગે વ્યવસ્થાપનના ભાગરૂપે વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે રીંછની ગણતરી કરવામાં આવે છે. રીંછની વસ્તીનો અંદાજ અગાઉ મે-2016માં કરવામાં આવ્યો હતો ત્યારબાદ વર્ષ 2022માં સમગ્ર ગુજરાતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ નિરીક્ષણ પદ્ધતિથી રીંછની વસ્તીનો અંદાજ હાથ  ધરવામાં આવ્યો હતો. આ સમગ્ર માહિતીના સંકલન તેમજ પૃથ્થકરણને અંતે  રાજ્યમાં રીંછની કુલ વસ્તી 358 અંદાજવામાં આવી છે તેમ, તેમણે વધુ વિગતો આપતાં ઉમેર્યું હતું.

Exit mobile version