Site icon Revoi.in

લસણના ભાવમાં વધારો, ગત વર્ષે 50 રૂપિયે કિલો મળતું લસણ છૂટક બજારમાં 250થી 300નો ભાવ

Social Share

રાજકોટઃ મોંઘવારી રોજબરોજ વધતી જાય છે. જેમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા છે.  ડુંગળીના ભાવ બાદ લસણના ભાવ પણ આસમાને પહોચ્યા છે. લસણનું ઉત્પાદન ઓછું અને માંગ વધવાના કારણે ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. ગત વર્ષે રૂપિયા 50માં કિલો લસણ મળતું હતું તે આ વર્ષે છુટક બજારમાં પ્રતિ કિલો 250થી 300 ભાવે લસણ વેચાઈ રહ્યું છે.

માર્કેટયાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે ગત વર્ષની તુલનાએ લસણના પાકનું ઉત્પાદન ઓછુ છે. બીજી બાજુ માગ વધુ છે. પરપ્રાંતના વેપારીઓ પણ ગુજરાતના માર્કેટ યાર્ડ્સમાં લસણની ખરીદી માટે આવી રહ્યા છે. તેના લીધે ભાવમાં વધારો થયો છે. છૂટકમાં લસણના એક કિલોના રૂ.250 થી 300 સુધીના ભાવ છે. જ્યારે ફોલેલા લસણના તો 350 થી 400 સુધીના ભાવે વેચાઈ રહ્યું છે.

શાકભાજીના વેપારીઓના કહેવા મુજબ હાલ લસણની નિકાસ ખૂબ મોટાપાયે કરવામાં આવી રહી છે અને જેના કારણે યાર્ડમાં આવક ઘટી રહી છે. જેના પગલે બજારોમાં લસણના ભાવ ખૂબ ઊંચા જઈ રહ્યા છે અને હજુ જો આ નિકાસ બંધ નહીં કરવામાં આવે તો આગામી બે થી ત્રણ મહિના આ પ્રકારે લસણના ભાવ બજારોમાં હજુ પણ વધી શકે તેવી શક્યતા છે.

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં એક મણના રૂપિયા 3500 થી 4000 સુધી લસણના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. ગત વર્ષે હાપા યાર્ડમાં લસણના એક મણના રૂપિયા 500 થી 1000 સુધીના જ ભાવ હતા. દર ત્રણ વર્ષે આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. તેના પગલે છૂટક બજારમાં લસણના ભાવ ઉંચા જાય છે. જ્યારે હાલ લસણનું ઉત્પાદન ઓછું અને માંગ વધવાના કારણે ભાવોમાં પણ ધરખમ વધારો થયો છે.

અમદાવાદ સહિત મહાનગરોમાં લસણનો ભાવ પ્રતિ કિલો 300 ‎રૂપિયા છે. દિવાળી સમયે પ્રતિ કિલો 200 રૂપિયા લસણનો ભાવ હતો.હવે પ્રતિ કિલો 100 રૂપિયાનો વધારો થતાં 300 રૂપિયા કિલો લસણ વેચાઈ રહ્યુ છે. સુરતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી લસણ આવે છે. કમોસમી વરસાદના કારણે ભાવમાં વધારો નોંધાતા ગૃહિણીઓ ખરીદી પર કાપ મૂકી રહી છે.