Site icon Revoi.in

સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારોઃ હેલિકોપ્ટરની મદદ શરૂ કરાયું પેટ્રોલિંગ

Social Share

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે અને સોમનાથ મંદિર અરજી સમુદ્રના કિનારે આવેલું છે. જેથી ધાર્મિક આસ્થાના પ્રતિક સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા વધારે મહત્વની બની જાય છે. આ ઉપરાંત સોમનાથ મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સોમનાથ મંદિર ઝેડ પ્લસ સુરક્ષા ધરાવે છે. જેથી મંદિર પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. સોમનાથ મહાદેવ અને દરિયાની સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ વધારે સતર્ક બની છે. દરમિયાન કોસ્ટગાર્ડ દ્વારા બે હેલિકોપ્ટરની મદદથી પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. 700 મીટરની ઉંચાઈ ઉપરથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં પણ સુરક્ષા વિભાગ દ્વારા કડક બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મંદિરની સુરક્ષાને લઈને સજ્જ છે. હાલની પરિસ્થિતિ જોતા મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષોથી આતંકવાદીઓના હિટલિસ્ટમાં છે. બીજી તરફ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓએ ગુજરાતના જળસીમામાંથી પ્રવેશ કરીને મુંબઈ પહોંચ્યાં હતા. જેથી ગુજરાતમાં ભાંગફોડની પ્રવૃતિને અટકાવવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વધારે સાબદી બની છે. પાકિસ્તાન સાથે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના સંબંધ તંગ છે. એટલું જ નહીં પાકિસ્તાન ભારતમાં ભાંગફોડની પ્રવૃતિને પ્રોત્સાહન આપવા આતંકવાદીઓને આસરો આપી રહી છે.