Site icon Revoi.in

આઝાદી સમયનું ગુજરાતી પત્રકારત્વ: સ્વાતંત્રતા સમયના પત્રકારો શાહીથી નહીં લોહીથી લખતા

Social Share

ભવ્ય રાવલ (લેખકપત્રકાર)

આઝાદીના ભૂલભરેલા ઈતિહાસમાં ભારતને સ્વાતંત્રતા અપાવનાર મુખ્ય ત્રણ નાયકો મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને જ ગણવામાં આવ્યા છે. હવે આઝાદીની અર્ધી સદી બાદ તેમાં મંગલપાડે, રાણી લક્ષ્મીબાઈથી લઈ ભગતસિંગ જેવા ક્રાંતિકારીઓના નામ પણ ઉમેરાય રહ્યા છે પરંતુ ભારતીય આઝાદીના ઈતિહાસમાં 1857થી લઈ 1947 સુધી સ્વાતંત્રતાનું આંદોલન ચલાવનારા સ્વાતંત્રસેનાઓની જેમ આઝાદીની લડત માટે અખબાર ચલાવનારા પત્રકારોનો ક્યાંય ન્યાયપૂર્ણ રીતે ઉલ્લેખ આજ સુધી થયો નથી! કદાચ તેનું મુખ્ય કારણ આઝાદીના જંગ સાથે જોડાયેલાં પત્રકારત્વ વિશે ખાસ સંશોધન અને દસ્તાવેજોનો અભાવ છે. ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં આઝાદી સમયનું ગુજરાતી પત્રકારત્વ સૌથી શ્રેષ્ઠ રહ્યું છે, કદાચ તેને જ ગુજરાતી પત્રકારત્વનો સુવર્ણકાળ ગણાવી શકાય.

અંગ્રેજો વિરુદ્ધ એક હથેળીમાં જીવ અને બીજી હથેળીમાં કલમ લઈને ભારતની આઝાદીના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલા એ સમયના ગુજરાતી પત્રકારત્વનો ફાળો દેશને સ્વાતંત્રતા અપાવવામાં નાનો-સૂનો નથી. ગુલામીકાળમાં ગુજરાતી ભાષાના નાના-મોટા તમામ અખબારોએ દેશવિરોધીઓ વિરુદ્ધ સમચાર પ્રગટ કરી વાંચકોમાં ક્રાંતિની ભાવના જાગૃત કરી હતી. સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ક્રાંતિકારી ગુજરાતી પત્રકારત્વએ દેશ-દુનિયાને ચોક્કસ વિચારધારાને વરેલા રાષ્ટ્રવાદી પત્રકારત્વની પરિભાષા શીખવી હતી. ગુજરાતી પત્રકારત્વએ આઝાદીના લડતની મિશાલ દેશને આપી ગુલામીના અંધારામાં સ્વાતંત્રતાની મશાલ પ્રગટાવી હતી. સમાજ સુધારણાના પત્રકારત્વની પહેલ કરનાર ગુજરાતી પત્રો અને પત્રકારો સ્વાંતંત્રપ્રાતિની ઝુંબેશમાં પણ અગ્રેસર રહ્યા હતા.

મારા અભ્યાસ મુજબ 1822માં શરૂ થયેલી ગુજરાતી પત્રકારત્વની યાત્રા 2021 સુધીમાં ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. ગુજરાતી પત્રકારત્વનો પ્રારંભિક યુગ સમાજ સુધારણાનું પત્રકારત્વ, ગુજરાતી પત્રકારત્વનો એક સદી બાદનો સમયગાળો આઝાદી પહેલાનું એટલે કે સ્વાતંત્રપ્રાપ્તિ માટેનું પત્રકારત્વ અને ગુજરાતી પત્રકારત્વની દોઢ સદી પછી આઝાદી બાદનું આધુનિક પત્રકારત્વ. આમ તો હવે ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રાને બે ભાગમાં પણ વહેચી શકાય પરંતુ હાલ પૂરતું તેના ઉદ્દભવ અને સમાજ સુધારણા પત્રકારત્વ, આઝાદી સમયનું પત્રકારત્વ અને આઝાદી બાદથી લઈ આજ સુધીનું આધુનિક પત્રકારત્વ એમ ત્રણ ભાગમાં વહેચી શકાય. જો આઝાદીના સમયના ગુજરાતી પત્રકારત્વની વાત કરવામાં આવે તો ગુજરાતી પત્રકારત્વમાં સૌ પ્રથમ ઈચ્છારામ દેસાઈએ ગુજરાતી પત્ર દ્વારા આઝાદીનો વિચાર રજૂ કરેલો અને સુરતમાંથી સ્વતંત્રતા નામનું પત્ર બહાર પાડી આઝાદી મેળવવાની અને ગુલામી છોડવાની વાત પ્રગટ કરવાનું શરૂ કર્યું હતું. ઈચ્છારામ દેસાઈના ગુજરાતી તેમજ સ્વતંત્રતાથી લઈ ગાંધીજીના નવજીવન અને અમૃતલાલ શેઠનાં સૌરાષ્ટ્ર સુધી સ્વાધીનતાના શ્વાસ અપાવવામાં ગુજરાતી પત્રો, પત્રિકાઓ અને પત્રકારોનું પ્રદાન અમૂલ્ય છે.

ઓગણીસમી સદીના અંતમાં અમદાવાદથી પ્રજાબંધુ શરૂ થયેલું. વીસમી સદીની શરૂઆતમાં ગુજરાતી પંચ નામનું સાપ્તાહિક શરૂ થયેલું. પછી ગાંધીજીએ નવજીવન અને હરિજનબંધુ શરૂ કરેલું. આઝાદી સમયના ગુજરાતી પત્રકારત્વની શરૂઆતમાં દૈનિકો પ્રકાશિત થતા ન હતા. સમય પસાર થતા સ્વરાજ્ય નામનું દૈનિક અને પછી સંદેશ નામથી એક સાંધ્ય દૈનિક શરૂ થયું. અમદાવાદ સમાચાર પણ શરૂ થયું જે સંદેશમાં સમાયું. અમૃતલાલ શેઠે સાપ્તાહિક પત્ર સૌરાષ્ટ્ર શરૂ કર્યું. તેમણે જન્મભૂમિનો પણ પ્રારંભ કરેલો. કક્કલભાઈ કોઠારીએ અમદાવાદથી પ્રભાત અને જય સૌરાષ્ટ્ર દૈનિક શરૂ કર્યા. ઈન્દુલાલ યાજ્ઞિકે નવજીવન અને સત્ય નામનું માસિક શરૂ કર્યું. શામળદાસ ગાંધીએ જન્મભૂમિમાંથી છૂટા પડી મુંબઈમાં વંદે માતરમ શરૂ કર્યું. આ તમામ અખબારો-પત્રોની સંખ્યા બહુ જૂજ હતી, થોડા પ્રમાણમાં હતી છતાં તેની અસર બહુ ઘેરી હતી, પરિવર્તનશીલ અને પરિણામલક્ષી હતી. અને એટલે જ ભારતીય આઝાદીના ઈતિહાસમાં ગુજરાતી પત્રો-પત્રકારોના યોગદાનની પણ નોંધ લેવી જ પડે.

એકમાત્ર આઝાદી મેળવવાના હેતુસર રાષ્ટ્રપ્રેમ અને સામાજિક ચેતતાની જ્યોતસમું પ્રજાબંધુ શરૂ થયું ત્યારબાદ સમાચાર, પ્રભાકર, લોકવાણી, દૈનિક ગુજરાત, ઉગતું પ્રભાત, રાજહંસ, સ્વદેશ, ભારત, પ્રકાશ વગેરે જેવા નાનામોટા ગુજરાતી પત્રો શરૂ થયેલા. આઝાદીના સમયના ગુજરાતી પત્રકારત્વની શરૂઆત વીસમી સદીના પ્રવેશ સાથે થઈ. લંડન-પેરિસ-જિનિવાથી પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ, મેડમ કામા – વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના વન્દેમાતરમ્ અને મદન તલવાર, બંને પેરિસથી પ્રકાશિત થતાં. છગન ખેરાજ વર્મા સાનફ્રાંસિસ્કોમાંથી ગુજરાતી અખબાર ગદર પ્રકાશિત કરતા. વિદેશોમાં રહેતા ગુજરાતીઓ સુધી આઝાદીની વાત પહોંચાડવા વિદેશોમાં પણ ગુજરાતી અખબારો પ્રગટ થયા અને વિદેશોમાં વસતા ગુજરાતીઓ સુધી આઝાદીની વાત પહોચાડતા રહ્યા. એવા તો અનેક ગુજરાતી પત્રકારો છે જેણે અંગ્રેજો-રજવાડાઓના જોરજૂલમ અને ગુલામીમાંથી મુક્તિ મેળવવા કલમ-કાગળ ઉપાડી આઝાદી મેળવવાના પત્રકારત્વમાં ઝંપલાવ્યું હતું.

એડવોકેટ ઓફ ઈન્ડિયા તેમજ નવજીવન અને સત્યના આદ્યતંત્રી ઈન્દુલાલ યાજ્ઞિક, નવજીવનના પત્રકાર-લેખકો કાકાસાહેબ કાલેલકર, રામદાસ ગાંધી, મહાદેવ દેસાઈ, સ્વામીઆનંદ, કિશોરલાલ મશરૂવાળા, મગનભાઈ દેસાઈ સહિત રાણપુર-સૌરાષ્ટ્રથી સર્જાયેલી પત્રકારત્વની ક્રાંતિ સૌરાષ્ટ્ર પછી અમૃતલાલ શેઠ, ઝવેરચંદ મેઘાણી, જૂનાગઢ-મુક્તિ માટેની આરઝી હકૂમતના સરસેનાપતિ શામળદાસ ગાંધીનું વંદે માતરમ્, અડીખમ તંત્રી તરીકે જાણીતા રણછોડદાસ બોટવાળાના હિન્દુસ્તાન પત્રો વગેરે.. વગેરે.. નાનામોટા અને અલ્પકાલિન પ્રકાશનો અને પત્રકારોનો ફાળો પણ ભારતને આઝાદી અપાવવામાં રહ્યો છે. ગુજરાતી ભાષામાંથી ભારતના સ્વાતંત્રસંગ્રામને સક્રિય ટેકો આપતા ઘણા પત્રો બહાર પડતા હતા. માતૃભૂમિ અને વંદે માતરમ નખશીખ રાષ્ટ્રવાદી અખબાર હતા. વીસમી સદીના પ્રારંભમાં એવું કહેવાતું કે, દુનિયાના ખૂણેખૂણામાં ફેલાયેલા બ્રિટીશ સામ્રાજ્યનો સૂર્યાસ્ત કદી થતો નથી પરંતુ આઝાદી સમયના ગુજરાતી પત્રકારત્વના ઉદયે બ્રિટીશ સામ્રાજ્યના સૂર્યાસ્તમાં અગ્ર ભાગ ભજવ્યો, બહાદુરીપૂર્વક સ્વાતંત્રતાનો શંખનાદ ફૂક્યો.

સ્વાતંત્રતાપ્રાપ્તિની ઝુંબેશમાં જોડાયેલા પત્રકારોને વેતનમાં બે રોટી અને ઠંડું પાણી તેમજ અંગ્રેજો વિરુદ્ધ સમાચાર લખવા માટે જેલની સજા નસીબ થતા હતા. અંધારી સૂમસામ કોઠડીઓની અંદર, રાતદિવસના ઉજાગરા કરીને, રાજદ્રોહની પરવા કર્યા વિના, એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં કલમ રાખી રાષ્ટ્રહિત માટે થતું આઝાદી મેળવવા માટેનું ગુજરાતી પત્રકારત્વ બ્રિટીશ શાસનના પાયા હચમચાવવાનું પ્રમુખ હથિયાર બની ગયું હતું. આઝાદીની લડતમાં પોતાનું સર્વસ્વ હોમી દેનારા, અંગ્રેજી શાસનના દમન ભોગ બનનારા, અનેક યાતનાઓ વેઠનારા સ્વાતંત્રતા સમયના પત્રકારો શાહીથી નહીં લોહીથી લખતા હતા, એક હાથમાં કલમ અને બીજા હાથમાં બંધૂક રાખતા હતા. દેશભાવના ભરેલા, જાગૃતિ જગાવતા, રાષ્ટ્રહિતથી છલોછલ ઘણા પત્રો બંધ પડ્યા, ઘણા ચાલું રહ્યા. પત્રકારોએ જેલવાસ ભોગવવો પડ્યો, તડીપાર થવું પડ્યું. વેશપલટો કરી રહેવું પડ્યું. પરંતુ અંતે.. આખરે.. ગુજરાતી પત્રકારત્વના સિપાહીઓ ભારતની આઝાદીનો જનમત જગાવવામાં અને અને દેશની સ્વાતંત્રતાનો લોકમત મેળવવામાં સફળ સાબિત થયા હતા. આઝાદીના સમયના પત્રકારત્વને જ લક્ષમાં રાખી કવિ રામધારીસિંહ ‘દિનકરે’ લખ્યું હશે કે, કલમ દેશ કી બડી શક્તિ હૈ, ભાવ જગાનેવાલી, દિલ મેં નહીં દિમાગો મેં ભી આગ લગાનેવાલી. અને અકબર ઈલાહાબાદી પણ લખ્યું છે કે, ખીંચો ન કમાનો કો, ન તલવાર નિકાલો, જબ તોપ મુકાબિલ હો તો અખબાર નિકાલો.

વધારો : 1 માર્ચ, 1878માં ગર્વનર લોર્ડ લીંટને વર્નાક્યુલર પ્રેસ એક્ટ અમલી બનાવ્યો હતો. જેના દ્વારા ભારતીય ભાષાના પત્રોને અંકુશમાં રાખી શકાય. આ કાયદા અનુસાર અખબારોમાં એવી કોઈપણ વાત પ્રકાશિત નહીં કરવાનો હુકમ હતો જેનાથી લોકોમાં સરકાર વિરુદ્ધ અસંતોષ ફેલાય. વર્નાક્યુલર પ્રેસ એક્ટનો વિરોધ કરીને આઝાદી મેળવવા માટે શરૂ થયેલા પત્રકારત્વે મિશનરી જર્નાલિઝમનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું. એક તરફ બ્રિટીશ રાજભક્તિથી રંગાયેલું અંગ્રેજી પત્રકારત્વ હતું તો બીજી તરફ સમાજસુધારા માટેનું હેતુલક્ષી પત્રકારત્વ હતું તો એ બંનેથી પર આઝાદી પૂર્વેનું સ્વાતંત્રતાના ધ્યેયને વળગેલું પત્રકારત્વ હતું, દેશહિતની વિચારધારાને વરેલું પત્રકારત્વ હતું. સ્વાતંત્રતા મેળવવા માટે ઝઝૂમતું રાષ્ટ્રવાદી પત્રકારત્વ હતું, ગુજરતી પત્રકારત્વ.

પરિચય : ભવ્ય રાવલ

ભવ્ય રાવલ ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્ય સાથે છેલ્લા દસ વર્ષથી જોડાયેલા છે. મેઈન સ્ટ્રીમ પત્રકારત્વ સાથે જોડાયેલા ન હોવા છતાં દરરોજ હજારો વાંચકો ભવ્ય રાવલના લખાણ વાંચે છે એ પણ ઓનલાઈન!

યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાંક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે. ભવ્ય રાવલે બે નવલકથાઓ ‘…અને’ ઑફ ધી રેકર્ડ અને ‘અન્યમનસ્કતા’ તથા ‘વૈજ્ઞાનિક સિદ્ધાંતો’ એમ કુલ ત્રણ પુસ્તકો લખ્યા છે.

એક પત્રકાર તરીકે ભવ્ય રાવલે અનેક લોકોના ઈન્ટરવ્યૂ લીધેલાં છે તેમજ પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ઘણા વિષયો પર સંશોધન કરેલું છે. તેઓએ સૌરાષ્ટ્રની યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વમાં એમ.ફિલ (માસ્ટર ઈન ફિલસૂફી) અભ્યાસક્રમ કર્યો છે.

Email : ravalbhavya7@gmail.com

(PHOTO-FILE)